જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારા 46 જેટલા સેન્ટરોના લોગીન આઇડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લાના સીએસસી મેનેજર નિકુંજ ઠેસીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં 1300 થી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે, જે નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું. ખાસ કરીને સેન્ટરની બહાર સીએસસીનું બ્રાન્ડિંગ ન લગાવવું, સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) ન હોવું જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.
આ બાબત ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે જિલ્લાના 46 સેન્ટરોના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેટ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. સીએસસી સંચાલકો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે, જે મુજબ દરેક સંચાલકે પોતાના સેન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ મૂકવું પડશે. વધુમાં, દરેક સંચાલક માટે પીસીસી હોવું હવે અનિવાર્ય છે. જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને નિયમ ભંગ કરનાર સંચાલકો સામે જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.


