જામનગર શહેરમાં ગોકુલધામ સોસાયટીમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ગત રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મંદિરની દાનપેટી તથા મૂર્તિમાં તોડફોડ કરી નાશી ગયા હોવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ગત રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ત્રાટકયા હતાં અને તેમણે મંદિરની દાનપેટીમાં તેમજ મૂર્તિમાં તોડફોડ કરી હતી. મંદિરમાં કરાયેલી તોડફોડની આજેસવારે જાણ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિરમાં તોડફોડની જાણ થતા વિશ્ર્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્ર્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આ અંગેની જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આવારા તત્વોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.