વિચારધારા: તૂફાન તો આના હૈ, આકર ચલે જાના હૈ…
બાદલ હૈ યે કુછ પલ કા, છા કર ઢલ જાના હૈ…
ગીતકાર સંતોષ આનંદ દ્વારા 1972માં લખાયેલું ગીત આજે પણ મોટાભાગના લોકોનું પ્રિય ગીત હશે. વાત માત્ર ગીતની નથી, આ શબ્દો જીવનને સ્પર્શે છે. તૂફાન તો હાલમાં જ આપણે અનુભવ્યો. તૌકતૈ- જેને બોલાય છે તાઉ-તે. એ વિશે છેલ્લા એક અઠવાડિયાથી વધુ દિવસો પેલાથી હવામાન ખાતું તાઉ-તે વાવાઝોડાની આગાહી કરતું આવ્યું. સતત ચેતવણીઓ ચાલુ રહી. તેનાથી રક્ષણ માટેના ઉપાયો તાબડતોબ હાથ ધરવામાં આવ્યા. એક તરફ કોરોના તો બીજી તરફ ચક્રવાત. એ માટે પણ બધી વ્યવસ્થાઓ કરવાના સમાચારો વાચતા,જોતા અને સાંભળતિ રહ્યા. ચેતવણીના પગલે હજારો લોકોના સ્થળાંતર, ક્યાંક ભયંકર તબાહી-બરબાદી-હાહાકાર… વાવાઝોડું પસાર થઇ ગયું,પણ હવે આગળ શું? તે યક્ષ 5્રશ્ર્ન બરબાદી વહોર્યા બાદના ઊભા રહી ગયા. ઘરના છાપરા ઉડી ગયા, ઘરવખરી રેલમછેલ થઈ ગઈ, ખેતરો તબાહ થઈ ગયા, પશુ – પક્ષીના મૃત્યુ, આખા ઘર અને વર્ષોની મહેનત નસ્ત-ઓ-નાબૂદ… પાણી-પાણી… માત્ર ઘરો કે શેરીઓમાં જ પાણી નહીં, કેટકેટલા સપનાઓ પર, ઈચ્છાઓ પર, આપ પાણી ફરી વળ્યાં હશે અને આખોમા અને હૃદયમાં તો ત્સુનામી જ હશે… અને અસરો વર્ષો સુધી રહી જતી હોય છે.
મારી વાત વાવાઝોડાથી અટકી જતી નથી, પરંતુ શરૂ થાય છે. અને એ વાત છે સંબંધોમાં આવતા ચક્રવાતની. જે દરેકે અનુભવ્યા હશે, જીરવ્યા હશે અને કેટલાકના જીવનમાં શરૂઆત હશે તો કેટકેટલાના જીવનમાં એ પસાર થઈ રહ્યું હશે. પ્રશ્ન એ થાય કે સંબંધોના ચક્રવાત પેલા પણ કોઈ હવામાન ખાતું આ ચક્રવાત અને તેની માઠી અસરોની આગાહી નહીં કરતું હોય!!! હમણાં જ બિલ ગેટ્સ અને મિલેન્ડા છૂટા પડ્યા, આટ આટલી સમૃદ્ધિ હોવા છતાં!! આ પહેલાં પણ ઋત્વિક-સુઝાન કે પછી અરબાઝ-મલાઈકા છૂટા પડે છે અને એ પણ આજીવન ભરણપોષણ પેટે કરોડો રૂપિયા લઈને અને મલાઈકા અર્જુન કપૂર સાથે નજરે પડે છે. સૈફ અલી પોતાનાથી ખૂબ મોટી ઊંમરની અમૃતા સાથે લગ્ન કરે છે અને વર્ષો પછી છૂટા પડી ખૂબ નાની ઉંમરની કરિના સાથે લગ્ન કરે છે. રણધીર કપૂર અને બબીતા છૂટાછેડા વગર વર્ષોથી અલગ જ રહે છે. આ તો થઈ સેલિબ્રિટીની વાત. આ વાત એટલા માટે કે જે મીડલ ક્લાસ કે આર્થિક ભીસ સાથે જીવતા લોકોને પ્રશ્નો ઊભા થાય કે વિખવાદ સર્જાય તેવા તો નહીં જ હોય. સુખ-સગવડ, સ્વતંત્રતા, નામ-દામ, સૌંદર્ય બધું જ હશે છતાં તેઓના જીવનમાં પણ આવા ચક્રવાતો સર્જાય છે. તેઓ પણ અંતે તો માનવીઓ જ છે ને. જો કે, તેઓ ટ્વિટ કરી શકે છે કે ” હવે અમે બંને ખૂબ સમજણપૂર્વક છૂટા પડ્યા છીએ” વગેરે વગેરે…
મુદ્દો એ છે કે કયાંક લાગણીઓ, અપેક્ષાઓની આંધીઓ તો ઉઠતી જ હશે! સામાન્ય માણસ કદાચ સંબંધ જોડતા અને તોડતાં પેલા ખૂબ વિચાર કરે છે. તૂટેલા સંબંધોની કરચોનો ઢગ એમ જલ્દી ભરાતો નથી. કયારેક એક વ્યક્તિ ખૂબ આગળ નીકળી જાય તો આ ઢગ પાસે જ રહી જનાર વ્યક્તિ વર્ષો કાઢી નાંખે છે. તો કયાંક કોઈ વ્યક્તિ વખત પહેલાં ન સમજી શકયાની ગ્લાનિમા ભટકયા કરે છે. હવામાન ખાતું આવા સમયે હોય તો આવી પરિસ્થિતિ સર્જાતા પહેલાં સચેત કરે!! હું કહું છું, હોય છે. દરેક સંબંધો વચ્ચે એક લાગણી ખાતું હોય છે, જે આ ચેતવણી આપવાનું કાર્ય કરે છે. જયારે સંબંધો વચ્ચે તિરાડ પડવાની શક્યતા શરૂ થાય એ પહેલાથી આ લાગણીખાતુ ચેતવણી આપવાનુ શરૂ કરી દે છે. પરંતુ આ ચેતવણીઓ બંને અથવા કોઈ એક વ્યક્તિ અવગણે ત્યારે તોફાન શરૂ થાય છે જે ચક્રવાતમા પરિવર્તન પામે છે. અને અંતે સંબંધોને તહેસનહેસ કરી નાંખે છે. આ ચેતવણીઓ હોય છે ફરિયાદોની. જયારે કોઈ એક વ્યક્તિ સતત અમુક ચોક્કસ પ્રકારની ફરિયાદો કરે છે અને બીજી વ્યક્તિ તેને ગંભીરતાથી નથી લેતી. એ ફરિયાદો હોય છે સમય, સ્નેહ, સમજદારી, સાથ, શાંતિ, સંપત્તિ, સહકાર, સ્વાતંત્ર્ય કે સાયુજ્ય ની. – જેને સામેવાળી વ્યક્તિ ગણકાર્યા વગર જીવ્યે જાય છે. પછી શરૂઆત થાય છે જીવનમાં વાવાઝોડાના પગરણની. હજુ લાગણી ખાતું પોતાના કાર્ય ચાલુ જ રાખે છે. આગાહી અને ચેતવણી એ સિગ્નલની શરૂઆત છે એ જણાવે છે. ત્યારબાદ એક પછી એક ગંભીરતા દાખવતા સિગ્નલથી એલર્ટ કરે છે.જેમકે; ધીમે ધીમે ફરિયાદોની માત્રા ઓછી થવા લાગે છે, ફરિયાદો કરનાર વ્યક્તિ પોતાના સાથીને સમય આપે છે આ ફરિયાદો સમજવાનો, છતાં સ્વજન ન સમજે પછી ક્રોધ, પછી આસુંઓ દ્વારા ફરિયાદો બહાર આવે છે, હવે આ સમયે આંખો ઉઘડે તો અહીંથી કદાચ વાવાઝોડું કાબુમાં લાવવા પ્રયત્નો કરી શકાય. પરંતુ એવું નથી થતું તો આગળના સિગ્નલ વધવાની સંભાવના વધી જાય છે. પછી આંસુઓ અને ક્રોધ કર્યા વગર વ્યક્તિ શુષ્કતાપૂર્વક જીવવા લાગે છે ત્યારે પણ સામેવાળી વ્યક્તિ નથી સમજતી કે મારી વ્યક્તિ હવે મારાથી દૂર થઈ રહી છે. અને એક સમયે ફરિયાદો પણ નથી થતી. યંત્રવત જીવન જીવે છે, હૂંફ અને હાસ્યમાં એ ગરમાવોનો અભાવ સર્જાય છે, અને અંતિમ સિગ્નલ મૌન, અલગાવ અને પછી ભયાનક તબાહી…. જે એક વ્યક્તિના આ વર્તનોમાં નથી અનુભવી શકતી એ સામેવાળી વ્યક્તિ વિરોધ પક્ષ જેમ સરકારને દોષ દે તેમ જ વિનાશનો બધો જ દોષ ચેતવણી આપતી વ્યક્તિ પર જ ઢોળવા લાગે છે. કદાચ એવું પણ બને કે સામાજિક ભયથી એ વ્યક્તિ શારીરિક રીતે તો સાથે રહે તો પણ ઘણા માઈલ દૂર જ થતી જાય છે. અથવા તો આ ચક્રવાત અન્ય વ્યક્તિને ક્યાંક દૂર ઉડાડી મૂકે છે, દૂર કરી દે છે અને પછી
“એક બાર ચલે જાતે હૈ જો દિન-રાત, સુબહ-શામ,
વો ફિર નહીં આતે…વો ફિર નહીં આતે..”
આ ચેતવણીઓને સમજી જાઓ, તો જ તૂફાનને થોડા પળના વાદળો કહી શકશો, જે ફરી દૂર થઈ એ જ અજવાશની આશા જીવંત રાખશે. બાકી જ્યાં- જે સંબંધોમાં સંવાદ નથી ત્યાં સંબંધોમાં ચક્રવાત સર્જાશે જ. જે દૂરંદેશી છે તેઓ ચેતીને સમજી જાય છે બાકીના લોકો સમજદારીના અભાવે આવી સ્પષ્ટ ચેતવણી સમજી નથી શકતા અને તબાહી નોતરે છે, અને કંઈ ન સૂઝતા અફસોસ અથવા ફરિયાદ કરે છે. પરંતુ, હવે તો છાપરા ઊડી ગયા,પાણી ફરી વળ્યા,ખાનાખરાબી મચી ગઈ…
જો આવા ચક્રવાત સંબંધોમાં સર્જાવાની શરૂઆત છે તો ચેતવણી કે સિગ્નલને સમજી આજથી, અત્યારથી જ સંબંધો સુરક્ષિત કરવાની તૈયારીમાં લાગી પડો. પછી બાકીનું બધું કદાચ બચી જશે. નહીં તો ફરિયાદ અને અફસોસ સિવાય કંઈ નહીં બચે.
કહેવાયુ છે ને
મહોબ્બત કે બાદ ભી મહોબ્બત હૈ મુમકીન,
મગર વો ટૂટ કે ચાહના, બસ એકબાર હોતા હૈ..’
ધારદાર : ચક્રવાત સંબંધોમાં સર્જાય થાય પછી દર્દ અને પીડાના પ્રત્યાઘાતો અને અસરો એટલી ઊંડી પડી જાય છે કે વ્યક્તિ આજીવન ઘૂંટાયા કરે છે…
“પરછાઈયા રહે જાતી
રહે જાતી નિશાની હૈ…
જિંદગી ઔર કુછ ભી નહીં
તેરી મેરી કહાની હૈ…”
- ધારા પુરોહિત ભટ્ટ ‘સ્વયંમ્’