સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતા જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં શિયાળાની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા માટે આવી જાય છે. જેના કારણે સવારનો નજારો નયનરમ્ય જોવા મળે છે. આ તળાવમાં દેશ વિદેશ ના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોય અહીં 130થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડી પડતી હોવાના કારણે પક્ષીઓને ત્યાં કુદરતી રીતે પોતાનો ખોરાક મેળવવામા તકલીફ પડતી હોય છે. જેથી આ પક્ષીઓ કેટલાય કિમી કાપીને જામનગરમાં રહેઠાણ કરે છે.
તાજેતરમાંજ જામનગરના લખોટા તળાવનો એક અદ્ભુત વિડીઓ સામે આવ્યો છે જેમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ઉડી રહ્યા છે. જે દરેકનું મન મોહી લે તેવો નજારો છે. જામનગરના લાખોટા તળાવમાં સેંકડોની સંખ્યામાં વિદેશી પક્ષીઓના આગમના કારણે તળાવની સુંદરતામાં વધારો થયો છે.