ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક પુરપાટ આવી રહેલી બોલેરો કારના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા એકટીવા પર સવાર યુવાન અને તેની પત્ની તથા ચાર વર્ષની બાળકી સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના વતની અને હાલ વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં સંજયભાઈ રમેશભાઈ ચોટલિયા (ઉ.વ.37) નામનો યુવાન રવિવારે સવારના 8:30 વાગ્યાના અરસામાં તેના જીજે-03-એફજે-3413 નંબરના એકટીવા પર તેની પત્ની ઈનાબેન સંજયભાઈ ચોટલિયા (ઉ.વ.36) અને પુત્રી નિષ્ઠા સંજયભાઈ ચોટલિયા નામના ત્રણેય વ્યક્તિઓ તેના ગામ ભેંસદડ તરફ આવતા હતાં તે દરમિયાન ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ પર જાા ગામના પાટીયાથી લૈયારા ગામ તરફના માર્ગ પર પહોંચ્યા ત્યારે પૂરપાટ આવી રહેલી જીજે-03-ડીડબલ્યુ-2320 નંબરની બોલેરો કારના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સંજયભાઈ, તેમના પત્નિ ઈનાબેન તથા પુત્રી નિષ્ઠાને શરીરેન તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવ બાદ બોલેરોચાલક કાર મૂકીને પલાયન થઈ ગયો હતો.
બનાવની જાણ થતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ચોટલિયા પરિવારના ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સંજયભાઈ અને તેમની પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર વર્ષની પુત્રી નિષ્ઠાને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની જાણ થતા પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે અને હોસ્પિટલ પર દોડી ગયો હતો. જ્યાંથી ત્રણેયના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક સંજયભાઈના પિતરાઇ કાકા રાજેશભાઈ મેઘજીભાઈ ચોટલિયાના નિવેદનના આધારે બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર કબ્જે કરી ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.