જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં પિતાના ઘરે રોકાવા આવેલ પત્નીને પતિએ ઘરે આવી લાકડાના ધોકા વડે ઘરના તેમજ બાથરૂમના દરવાજા ઉપર ઘા મારી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરજર ગામમાં રહેતી મનિષાબેન મંગેરા નામની યુવતીને તેણીના પતિ અશ્ર્વિન ધના મંગેરા સાથે અવાર-નવાર ઝઘડો થતો હતો. દરમિયાન માવતરના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલી મનિષાબેન તેણીના પિયરમાં રોકાઈ ગઇ હતી. જેથી પતિ અશ્ર્વિન રવિવારે તેના સાસરે ગયો હતો અને ઘરનો દરવાજો ખખડાવતા પત્નીએ દરવાજો નહીં ખોલતા પતિએ અપશબ્દો બોલી ઘરના અને બાથરૂમના દરવાજા ઉપર લાકડાના ધોકા પછાડી નુકસાન કર્યુ હતું. તેમજ પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં મનિષાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે અશ્ર્વિન મંગેરા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.