લાલપુર તાલુકાના કાનાલુસ ગામની લેબર કોલોની મોડેલ નંબર 10માં રહેતો શ્રમિક યુવાન મોબાઇલ ફોનમાં તેની પત્ની સાથે વિડિયો કોલ દ્વારા વાતચીત કરતો હતો. ત્યારે ગૃહકંકાસના કારણે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના બિરદાબાન ઘરની છપરાનો વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસની સીમમાં આવેલી એલજી 8માં લેબર કોલોની મોડેલ નંબર 10ના રૂમ નંબર એકમાં વસવાટ કરતાં મુન્તુનરાય જેનુખરાય (ઉ.વ.35) નામનો શ્રમિક યુવાન ગઇકાલે બપોરના સમયે તેના રૂમનો દરવાજો બંધ કરી પત્ની સાવિત્રીબેન સાથે મોબાઇલ ફોનમાં વિડિયો કોલ દ્વારા વાતચીત કરતો હતો. ચાલુ વિડિયો કોલે જ ગૃહકંકાસના કારણે જિંદગીથી કંટાળી રૂમમાં પંખાના હૂકમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગેની અજયકુમાર કુશવાહ દ્વારા જાણ કરાતાં એએસઆઇ વી. સી. જાડેજા સ્ટાફ સાથે સ્થળ પર જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ મોકલી તપાસ હાથ ધરતા યુવાન અહીંયા મજૂરીકામ માટે એકલો રહેતો હતો. મંગળવારે પત્ની સાથે વિડિયો કોલમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં શ્રમિકે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


