જોડિયા તાલુકાના ભાદરા ગામના વાડી-વિસ્તારમાં ખેતમજૂરી કરતા યુવાનને તેની પત્ની મુકીને ચાલી ગઇ હતી. તે બાબતનું લાગી આવતા યુવાને ઓરડીમાં એંગલ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાડા તાલુકાના પીપરા ગામના વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમમાં આવેલી ઘનશ્યામભાઇ ભંડેરીના ખેતરમાં મજૂરી કામ કરતા હીરુભાઇ શોભનસિંહ અલાવા (ઉ.વ.37) નામના આદિવાસી યુવાનની પત્ની લીલાબેન ઘર મુકીને ચાલી ગઇ હતી. જેથી પત્નીના વિયોગનું મનમાં લાગી આવતા હીરુએ સોમવારે વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં તેની ઓરડી પાછળ આવેલા લાઇટના પીસીના એંગલમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ જોગડિયા ભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એન.એમ. ભિમાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.