જામનગર તાલુકાના દરેડ ગામમાં મસિતિયા રોડ પર આવેલા વિસ્તારમાં ખોલીમાં રહેતા યુવકને તેની પત્ની સાથે બોલાચાલી થતાં પત્નીએ મોબાઇલ ફોન લઇ લેતા મનમાં લાગી આવતા યુવકે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના અજિતદંડી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં મસિતિયા રોડ પર આવેલી અશરફભાઇ ખફીની ખોલીમાં રૂમ નં. 31માં રહેતાં અને રણજિત હરિશકુમાર મૌર્ય (ઉ.વ.20) નામના યુવકને મંગળવારે બપોરના સમયે તેની પત્ની રજની સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પત્નીએ તેણીના પતિ રણજિતનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. જે બાબતનું મનમાં લાગી આવતા મંગળવારે બપોરના સમયે રણજિત મૌર્ય નામના યુવકે તેના ઘરે લોખંડની આડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હરિશકુમાર દ્વારા જાણ કરાતા હે.કો. ડી. વી. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


