ધ્રોલ ગામમાં ખારવા રોડ પરના વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની રિસામણે બેસેલી પત્નીએ પીયરથી સાસરે આવવાની ના પાડતા મનમાં લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ધ્રોલ અને ત્યારબાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ખારવા રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામના વતની સુનિલ ધીરુભાઈ સોરઠીયા (ઉ.વ.47) નામના યુવાનની પત્ની જ્યોતિબેન માવતરે રિસામણે બેઠી હતી પત્નીને લેવા માટે સુનિલ ગયો હતો ત્યારે પત્નીએ પરત સાસરે આવવાની ના પાડી દેતા મનમાં લાગી આવતા ગુરૂવારે સવારના સમયે યુવાને તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે પ્રથમ ધ્રોલની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું શુક્રવારે મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા ધીરુભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.