ખંભાળિયામાં ગત સોમવારથી બુધવાર સુધી વરસી ગયેલા અતિ ભારે વરસાદમાં અબોલ પશુ-પક્ષીઓ ખૂબ જ દયનીય હાલતમાં મુકાઈ ગયા હતા. જેમાં ખાસ કરીને પવન સાથે વરસેલા વરસાદના કારણે ઝાડમાં આશ્રય લેતા મોટી સંખ્યામાં પક્ષીઓના મોત નિપજયાનું સામે આવ્યું છે.
ખંભાળિયામાં મ્યુનિસિપલ ગાર્ડન ખાતે અનેક વિશાળ અને ઘેઘુર વૃક્ષો આવેલા છે. અહીં હજારોની સંખ્યામાં પક્ષીઓનું આશ્રય સ્થાન છે. ત્યારે તાજેતરમાં ખંભાળિયામાં અતિવૃષ્ટિ જેવા વરસાદ તેમજ ભારે પવનના કારણે આ ઝાડવા ઉપર રહેતા બગલાઓ તેમજ તેના બચ્ચાઓ ટકી શક્યા ન હતા અને આશરે 70 થી વધુ બગલા સહિતના પક્ષીઓના મૃતદેહ અહીં પડ્યા જોવા મળ્યા હતા.
આ જ પરિસ્થિતિ અહીંના પેટ્રોલ પંપ સામે આવેલી તાલુકા શાળા નંબર 2 ખાતે સર્જાઇ હતી. જ્યાં પણ ઝાડમાં રહેતા 50 થી 60 જેટલા પક્ષીઓ તેજ પવન તેમજ ભારે વરસાદના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ પક્ષીઓના મૃતદેહને તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. કુદરતી આપત્તિમાં અકાળે મૃત્યુ પામેલા પક્ષીઓના આ બનાવથી પક્ષી પ્રેમીઓમાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.