ખંભાળિયા શહેરમાંથી બારેક દિવસ પૂર્વે આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપની 4000 બોટલ ઝડપાયા બાદ આ અંગેની તપાસ હજી ચાલુ છે અને આરોપીઓ રિમાન્ડ પર છે, ત્યારે ગઈકાલે રવિવારે સાંજે ખંભાળિયા પોલીસએ ભાણવારી ગામ પાસેથી રૂપિયા 26.28 લાખની કિંમતની સાડા પંદર હજાર જેટલી આયુર્વેદિક સીરપની બોટલ પકડી પાડી, જરૂરી તપાસ આરંભી છે.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – ભાણવડ હાઈવે પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર ભાણ ખોખરી ગામ નજીક આવેલા ભાણવારી ગામના પાટીયા પાસે આવેલી એક હોટલની બાજુમાં આવેલી દુકાનમાં આયુર્વેદિક સીરપનો કેટલોક જથ્થો પડ્યો હોવાની ચોક્કસ બાતમી અહીંના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળતા તેના આધારે ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા ગઈકાલે રવિવારે સાંજે આ ગોડાઉન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી રહેલી દુકાનો પૈકી દુકાન નંબર 23 તથા 24ના શટર ઉંચકાવતા આ દુકાનોમાં વિવિધ પ્રકારની આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપની બોટલો ભરેલા બોક્સ સાંપડ્યા હતા. આયુર્વેદિક સીરપ ભરેલા આ તમામ બોક્સ પોલીસે કબજે કરી, ચેકિંગ કરતા આ સ્થળે “દ્રાક્ષસવા” સીરપની રૂપિયા 8,26,056 ની કિંમતની કુલ 5544 બોટલ, “તંદ્રા અશ્ર્વ, સ્ટ્રેસ રિલીફ” નામની રૂ. 12,64,800 ની કિંમતની 8160 બોટલ તથા આ જ કંપનીની 600 મી.લી. ની રૂ. 5,37,600 ની કિંમતની 1,920 બોટલ હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, કુલ રૂપિયા 26,28,456 ની કિંમતની કુલ 15,624 નશાકારક આલ્કોહોલ કેફી પીણાની આયુર્વેદિક સીરપનો જથ્થો પોલીસે હાલ કબજે લઈ, સીઆરપીસી કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં પોલીસે અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નજીર બાનવા નામના શખ્સની પૂછપરછ હાથ ધરી છે. ખંભાળિયામાંથી વધુ એક વખત નશાકારક આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપનો આ જથ્થો જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ કબજે કરવાની સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એએસઆઈ શક્તિસિંહ દિગ્વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.