જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કહેર સામે રક્ષણ આપતી રસી લેવા માટે લોકોમાં લાંબા સમય પછી જાગૃત્તતા જોવા મળી છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે, કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે. વેકિસનનો સ્ટોક પૂરતો છે નહીં. અને જાગૃત્તતાના કારણે વેકિસન લેવા લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાન’ અંતર્ગત રસીકરણ કામગીરી વધુને વધુ લોકો સુધી પહોંચે તેવા આયોજન કરવામાં આવ્યા છે દરમિયાન છેલ્લાં એક અઠવાડિયાથી રસીકરણમાં કોઇને કોઇ કારણોસર વિક્ષેપ પડતો જાય છે અને હાલના સમયમાં વધુને વધુ લોકો વેકિસનેશન માટે સેન્ટરોમાં પહોંચે છે ત્યારે મામલો વધુ ગરમાય છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસ વેકિસનેશન બંધ રાખવામાં આવ્યું હતું. જેના પરિણામે વેકિસનેશન લેવા માટે વધુને વધુ લોકો સેન્ટરોમાં આવી પહોંચે છે. આજે જામનગર શહેરમાં 20 સ્થળોએ વેકિસનેશન યોજવામાં આવ્યું હતું. જેમાં વેકિસનેશન સેન્ટર ઉપર લોકોને ભારે ઘસારો જોવા મળ્યો હતો અને આ ઘસારાને કારણે સેન્ટરની ઝાળી બંધ કરી દેવી પડી હતી. આ અગાઉ પણ વેકિસનેશન સેન્ટરમાં લોકોના ભારે ઘસારાના કારણે પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.