Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં કયા તાલુકામાં કેટલો વરસી ગયો વરસાદ ? વાંચો વિગતવાર

હાલારમાં કયા તાલુકામાં કેટલો વરસી ગયો વરસાદ ? વાંચો વિગતવાર

- Advertisement -

જામનગર જિલ્લાના તાલુકાના મુખ્યમથકોમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ધ્રોલમાં અડધો ઈંચ અને જામજોધપુર, જામનગર શહેર, કાલાવડ, જોડિયા, લાલપુરમાં સામાન્ય ઝાપટાં પડયા છે. જ્યારે પીએસસીના આંકડા મુજબ કાલાવડ તાલુકાના નિકાવા અને મોટા પાંચદેવડામાં એક-એક ઈંચ તથા નવાગામ, ખરેડીમાં અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું. જામજોધપુર તાલુકાના શેઠવડાળા, ધુનડા, સમાણામાં પોણો-પોણો ઈંચ અને જામવાડી, વાંસજાળિયા, પરડવા અને ધ્રાફામાં અડધો – અડધો ઈંચ પાણી પડયું હતું.

- Advertisement -

જોડિયા તાલુકાના હડિયાણામાં પોણો ઈંચ અને જામનગર તાલુકાના વસઇ, ફલ્લામાં અડધો-અડધો ઇંચ તથા લાખાબાવળમાં જોરદાર ઝાપટું તથા ધ્રોલ તાલુકાના લૈયારા અને લતીપુરમાં અડધો – અડધો ઈંચ તથા જાલિયા દેવાણીમાં સામાન્ય છાંટા અને લાલપુર તાલુકાના ભણગોરમાં અડધો ઈંચ તેમજ મોડપરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું.
જામનગર જિલ્લામાં આજે સવારે છ વાગ્યા સુધીમાં મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ જામનગર 396 મિ.મી. (16 ઈંચ), કાલાવડમાં 438 મિ.મી. (17 ઈંચ), ધ્રોલમાં 403 મિ.મી. (16 ઈંચ), જોડિયા 621 મિ.મી. (25 ઈંચ), લાલપુર 240 મિ.મી. (10 ઈંચ), જામજોધપુર 362 મિ.મી. (14 ઈંચ) નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર યથાવત રીતે ચાલુ રહી હતી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે એક કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સામાન્ય ઝાપટાંથી અડધો ઈંચ પાણી વરસ્યું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં 25 ઈંચ અને કાલાવડમાં 17 તથા જામનગરમાં 16 ઈંચ અને જામજોધપુરમાં 14 ઈંચ, લાલપુરમાં સૌથી ઓછો 10 ઈંચ વરસાદ પડયો છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવી પરિસ્થિતિ અને વરસાદી બ્રેક સાથે સૂર્યનારાયણના દર્શન થાય છે. આ વચ્ચે ગઈકાલે બપોરે ગરમી ભર્યો માહોલ યથાવત રહેતા બપોરે 1 થી 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર અઢી ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. જેના પગલે નિંચાણવાળા વિસ્તારોમાં ઘોડા પૂર જેવા પાણી વહ્યા હતા. ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 64 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ, હરીપર, વિસોત્રી, ખજુરીયા, પીપળીયા, માધુપુર વિગેરે ગામોમાં ચારથી પાંચ ઈંચ તથા ભાતેલ ગામમાં સવારથી બપોર સુધીમાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા નદીઓમાં પુર આવી ગયા હતા. આજે સવારે પણ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઉઘાડ વચ્ચે તડકો નીકળ્યો હતો.

- Advertisement -

આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે બપોરે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 26 મીલીમીટર, દ્વારકા તાલુકામાં 19 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં સાત મીલીમીટર વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકાનો 34 ઈંચ (846 મીલીમીટર) તેમજ દ્વારકામાં 22 ઈંચ (544 મીલીમીટર) વરસી ચુક્યો છે. જેથી સરેરાશ વરસાદ ખંભાળિયામાં 104 ટકા અને દ્વારકા તાલુકામાં 102 ટકા નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ 22 ઈંચ (548 મીલીમીટર) અને ભાણવડ તાલુકામાં સાડા તેર ઈંચ (339 મીલીમીટર) સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 80 ટકા જેટલો વરસી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સૌ પ્રથમ ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ ઓવરફલો થયો હતો. ત્યારબાદ વધુ બે ડેમ સેઢા ભાડથરી અને સોનમતી પણ ઓવરફલો થઈ ગયા છે. જેના કારણે હેઠવાસના વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. કલ્યાણપુર તાલુકાના સાની ડેમના દરવાજા ખુલ્લા હોવાથી ઉપરવાસમાં પાણીની સતત આવક થવાના કારણે આ ડેમનું પાણી રસ્તા પર આવી ગયું હતું અને રાવલ તથા કલ્યાણપુરનો રસ્તો થોડો સમય બંધ થઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular