કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ છે તેવામાં અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે.ત્યારે સુપ્રીમ કોર્ટ દ્રારા વાલીઓના હિતમાં શાળાઓની ફીને લઇને એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમની ફી ઓછી કરે.શાળાઓ વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી લઇ શકે છે પરંતુ તેમાં 15%નો ઘટાડો કરવો પડશે.
જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પેનલે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સરખા હપ્તામાં કરાશે. બેન્ચે કહ્યું કે એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.
આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓને 5 ઓગસ્ટ 2021 સુધીમાં છ હપ્તામાં ફી વસૂલવાનો આદેશ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી સમયસર ફી જમા કરવામાં અસમર્થ હોય, તો તે સંજોગોમાં દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી નહી શકાય. શાળાઓ આવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવી શકતી નથી.
તાજેતરમાં, રાજસ્થાન સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની કલમ 72 હેઠળ રાજ્યની શાળાઓને વાર્ષિક ફીમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં, સરકારના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ ચુકાદામાં કહેવાયું કે અપીલકર્તા શાળા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી 15% ઓછી લેવામાં આવે. જો શાળાઓ પોતાના વિદ્યાર્થીને વધુ છૂટ આપવા માંગે તો આપી શકે છે.


