અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ ખાનગી કંપનીના કર્મચારીની વિરુદ્ધ ગુનો દાખલ ન કરવા માટે રૂા. 25 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જે પૈકી શરૂઆતના પ્રથમ હપ્તા પેટે રોકડા રૂ. 2.75 લાખ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે બંને પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એક કંપની કે જે કેપચાની કામગીરી કરે છે. આ કંપનીએ કરેલી નાણાંકીય ગેરરીતિની તપાસ એલિસબ્રિજ પોલીસને સોંપવામાં આવી હતી. આ કેસની તપાસ ચલાવી રહેલા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બાદલભાઈ પંચાણભાઈ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ બાબુભાઈ વાઢેરે આ કેસમાં કંપનીના કર્મચારીને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડશે તેવી ધમકી આપી હતી. જો કેસથી બચવુ હોય તો અને કેસમાંથી બહાર નીકળવુ હોય તો વહીવટ કરવો પડશે તેમ કહીને રૂ. 25 લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ અંતે રૂ. સાત લાખ લાંચ આપવાનું નકકી કર્યુ હતું.
એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા એસીબીના મદદશીન નિયામક કે.બી ચુડાસમાના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.યુ. પરેવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યુ હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સોમવારે લાંચના છટકામાં ખાનગી કંપનીના કર્મચારી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.2.75 લાખની રકમ માંગી સ્વીકારતા બંને કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથે ઝડપી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.