શુક્રવારે મરાઠા કવોટા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જાણવા માંગ્યુ છે કે કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે. 50 ટકા મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાયેલી અસમાનતા અંગે પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્ર સરકાર તરફે ઉપસ્થિત વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણ ખંડપીઠને કહ્યું હતું કે મંડળ ક્વોટાની મર્યાદાને ધ્યાનમાં રાખે છે. કોર્ટે બંધારણીય પીઠ માં ચુકાદા બદલ્યા છે. એ સંજોગોમાં ફેરવિચારણા કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને અનામત ક્વોટા નક્કી કરવાની જવાબદારી અદાલતોએ છોડી દેવી જોઈએ અને મંડળ કેસ સંબંધિત નિર્ણય 1931 ની વસ્તી ગણતરી પર આધારિત હતો.
મરાઠા સમુદાયને અનામત આપવાના મહારાષ્ટ્ર કાયદાની તરફેણમાં દલીલ કરતાં રોહતગીએ મંડળ કેસમાં ચુકાદાના વિવિધ પાસાં ટાંક્યા. આ ચૂકાદાને ઇન્દિરા સહાની કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગ (ઈવીએસ) ને 10 ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારનો નિર્ણય પણ 50 ટકા મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.