જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જમીન ઉપર ગેરકાયદેસર ખડકાયેલી ચાર દુકાનો તોડી પાડવાની કાર્યવાહી સરાહનીય છે. પરંતુ, તેની સામે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, શહેરના ઘણાં ખરા વિસ્તારોમાં મહાનગરપાલિકાની જમીનો ઉપર આડેધડ અને બેરોકટોક દબાણો ખડકી દેવાયા છે. આ ગેરકાયદેસર દબાણો મહાનગરપાલિકાના વહીવટી તંત્રને જાણ હોવા છતાં આ દબાણો હટાવવામાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મળતી વિગત મુજબ, શુક્રવારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જમીનો ઉપર ખડકાયેલી ચાર ગેરકાયદેસર દુકાનો તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ખરેખર સરાહનીય છે. પરંતુ સામે બીજી તરફ શહેરના ઘણાં ખરા વિસ્તારોમાં મહાનગરપાલિકાની જમીનો ઉપર આડેધડ બેરોકટોક અનેક દબાણો ખડકી દેવામાં આવ્યાં છે. આવા અનેક દબાણો સંદર્ભે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને તેમજ ઉચ્ચ અધિકારીઓને ધ્યાને પણ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં મહાનગરપાલિકાની કિંમતી જમીનો ઉપર ખડકાયેલા દબાણો હટાવવા માટે કયા કારણસર ઢીલી નીતિ રાખે છે…?? તેમજ અનેક સ્થળોએ તો આવા દબાણોની શરૂઆતના તબકકામાં જ એસ્ટેટ શાખા અને અધિકારીઓને ધ્યાને મૂકવા છતા આ દબાણો હટાવવામાં આવ્યા નથી..!!
જામનગર શહેરના અનેક પોશ વિસ્તારોમાં પણ આવા દબાણો ખડકી દેવામાં આવ્યાં છે. જો કે, આ મામલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અગાઉ પણ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હોય છે. આવી કામગીરી એકાદ બે દિવસ કરીને તંત્ર કાર્યવાહી કરવાનો સંતોષ માની ઓફિસમાં બેસી જાય છે. અનેક જગ્યાએ એવી છે કે જ્યાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને જાણ હોવા છતાં અધિકારીઓ દ્વારા આ દબાણો દૂર કરવા નજરઅંદાજ કરી દેવામાં આવે છે. આવી બેધારી નીતિ શું કામ? લોકમાગણી એવી પણ છે શહેરના અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાની જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો કોઇની શેહશરમ રાખ્યા વગર દૂર કરવા જોઇએ. જેથી મહાનગરપાલિકાની જમીનો ખુલ્લી થાય અને આ જમીનો પરથી તંત્રને આવક વધારવા માટેના નવી નવી યોજનાઓ અંતર્ગત કામગીરી થઈ શકે. જેના કારણે મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થાય.