Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડમાં હનીટ્રેપનો બનાવ: યુવતીને સાથે રાખી ચીટર ગેંગ દ્વારા રૂપિયા 23 હજાર...

ભાણવડમાં હનીટ્રેપનો બનાવ: યુવતીને સાથે રાખી ચીટર ગેંગ દ્વારા રૂપિયા 23 હજાર પડાવી લેવાયા

એસ.ઓ.જી. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તાજેતરમાં એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી, યુવતી તથા અન્ય મળતિયાઓ આવો દ્વારા મોટી રકમ ખંખેરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસની ઓળખ આપી, ધમકી મારફતે હનીટ્રેપના આ સમગ્ર પ્રકરણમાં આરોપી યુવતી સહિત ચાર ચિટરોની એસ.ઓ.જી. પોલીસે અટકાયત કરી લીધી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હાસમભાઈ નામના એક યુવાન ગત તારીખ 18 જાન્યુઆરીના રોજ તેમના અગાઉના મિત્ર કાસમ હાસમ હિંગોરા (રહે. તરસાઈ, તાલુકો- જામ જોધપુર) સાથે મિત્રતાના દાવે નજીક ત્રણ પાટિયા વિસ્તારમાં પહોંચતા જમવાની પાર્ટી રાખી અને કાસમના અન્ય એક મિત્ર એવા તરસાઈ ગામના વિરમ  સાથે એકટીવા મોટર સાયકલમાં જવાનું નક્કી કર્યા બાદ ત્રણ પાટીયાથી થોડે આગળ એક પડતર ઓરડી પાસે પહોંચ્યા હતા. જ્યાં કાસમના મિત્ર નુરમામદ ઉર્ફે નુરો ફોટડીવાળો અગાઉથી ઉભો હતો અને આ જ ઓરડીમાં સોનલ ગોસ્વામી નામની એક યુવતી મોબાઈલ પર કંઈક કરી રહી હતી.

- Advertisement -

એકાએક આ સ્થળે ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. જેમની પાસે પોલીસ જેવી પ્લાસ્ટિકની લાકડી હતી અને તેઓએ પોતાની ઓળખ રાજુ ગઢવી અને અજય ગઢવી તરીકે આપી હતી. પોલીસ જેવી ઓળખાણ આપી અને આવેલા આ શખ્સોએ ખોટો કેસ કરી અને ફીટ કરી દઈ, ફસાવી દેવાની ધમકી આપી હતી. કેસ નહીં કરવા બદલ કથિત પોલીસે આ શખ્સોએ રૂપિયા 90 હજારની માંગણી કરી હતી. રકઝક અંતે હાસમભાઈ પાસે રહેલા રૂ. 23,000 બળજબરીપૂર્વક લઈને મહિલા સહિતના આરોપીઓ નાસી ગયા હતા.

આ બનાવ અંગે ભોગ બનનાર યુવાનની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે તરસાઈ ગામના કાસમ હાસમ હિંગોરા, ફોટડી ગામના નુરમામદ ઉર્ફે નૂરો તેમજ સોનલ ગોસ્વામી, રાજુ ગઢવી, અજય ગઢવી તથા અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. જે અંતર્ગત આઈ.પી.સી. કલમ 384, 170, 120(બી), 323, 506, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

હનીટ્રેપના આ સમગ્ર પ્રકરણ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના ઈરફાનભાઈ ખીરા વિગેરે દ્વારા ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાંથી કાસમ ઉર્ફે કાસલો હાસમભાઈ હિંગોરા (રહે. તરસાઈ ગામ- નવાપરા) રાજુ ઉર્ફે રાજા રાયા ભોજાણી (રહે. મૂળ ભાડથર, હાલ રામનાથ સોસાયટી- ખંભાળિયા), અજય માંડણ હરડાજાણી (રહે. ગાયત્રીનગર- ખંભાળિયા) અને સહારાબેન ઉર્ફે હક્કી વસીમ અખાણી (રહે. નાઘેડી, તા. જામનગર) ની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આ ચારેયની એસ.ઓ.જી. પોલીસ દ્વારા આગવી ઢબે કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન તેમણે હનીટ્રેપ અંગેનો ગુનો કબૂલી લીધો હતો. આ ઉપરાંત આ જ પ્રકારે તેઓ દ્વારા અન્ય ત્રણ વ્યક્તિઓને પણ શિકાર બનાવવાનું પણ ખુલવા પામ્યું છે.

આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular