મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.
રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 135થી વધુ લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી ગઉછઋ, જઉછઋના જવાનો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ત્યારે આ રાહત બચાવ કામગીરીનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. જેમાં રાહત બચાવ કામગીરી કરતા જવાનો મચ્છુ નદીને ખૂંદતા નજરે પડી રહ્યા છે. 15થી વધુ લાઈફ બોટ સાથે જવાનો સતત શોધખોળ કરી રહ્યા છે. મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં હતા. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 3 દિવસ સુધી સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સર્ચ-ઓપરેશન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પીડિતોને મળ્યાં હતાં. વડાપ્રધાનની મુલાકાતને પગલે મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો હતો અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ હતી.