ધ્રોલ તાલુકાના જાળિયા માનસરમાં સગીરા પર ગેંગરેપ કેસમાં પોલીસ ફરિયાદ ન લેવા અને તપાસમાં બેદરકારી સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટએ જામનગર અને ધ્રોલ પોલીસનો ઉધડો લીધો હતો અને જામનગર જિલ્લા પોલીસવડાને સમગ્ર કેસની તપાસ અને રીપોર્ટ વર્ચ્યુઅલી રજૂ કરવા ફરમાન કર્યું છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાળીયા માનસર ગામમાંથી 2019ની સાલમાં એક સગીરાના અપહરણ અને ગેંગરેપના ભારે ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઇકોર્ટે જામનગર પોલીસની તપાસમાં ગંભીર ઉદાસીનતા અને નિષ્કાળજીને લઈ ઉધડો લઈ નાખ્યો હતો. જસ્ટિસ વિમલ કે.વ્યાસે સમયસર પોલીસ ફરિયાદ નહી લેવા બદલ અને સમગ્ર મામલામાં જામનગર એસપીને તપાસ સોંપી મેડિકલ એકઝામીનેશન નહી કરાવવા બદલ ભારે ઝાટકણી કાઢી વિગતવાર ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
હાઈકોર્ટ આગામી મુદતે તા. 17મી ડિસેમ્બરે જામન્ગર એસપીને વર્ચ્યુઅલ મોડમાં કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટની ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.
જસ્ટિસ વિમલ કે. વ્યાસે જામનગરના ધ્રોલ પોલીસ અને તેના અધિકારીઓની ગંભીર બેદરકારી અને કેસની તપાસમાં લાલિયાવાડીને લઇ જોરદાર ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ધ્રોળ પીઆઈ તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં કેટલીક અસામાન્ય હકીકતો સામે આવી છે. કેસના કાગળોને ધ્યાનમાં લેતાં, કેસની શરૂઆતથી જ પોલીસના વલણ અને વર્તનને લઈ અનેક સવાલો ઉભા થાય છે. એવું સ્પષ્ટ જણાય છે કે, સગીરા પર સામૂહિક દુષ્કર્મની આ ઘટના તા.9-5-2019ના રોજ બની હતી, જેની તાત્કાલિક ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ પીડિતાની માતા એવી ફરિયાદીએ જામનગર એસપીને લેખિત રજૂઆત કરી હતી, જે રજૂઆત ધ્રોળ પોલીસ સ્ટેશનને જરૂરી કાર્યવાહી માટે મોકલી અપાઈ હતી, તેમછતાં ધ્રોલ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ફરિયાદી માતા તેમના વકીલ સાથે ધ્રોલ પોલીસ મથકમાં પહોંચી હતી અને નિવેદન આપ્યું હતું, તેમછતાં પોલીસે ફરીથી પણ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. ઉલ્ટાનું પોલીસે તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું.
જેથી પોલીસના વલણથી નારાજ ફરિયાદીએ રાજયના પોલીસ વડા, રાજયના મુખ્ય સચિવ, જામનગર એસપી, ધ્રોલ પીઆઈ સહિતના સત્તાધીશોને ફરી એકવાર લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે આખરે બાદમાં તા. 09-07-2019ના રોજ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમછતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે તેમાં રેપની કોઈ કલમ ઉમેરવામાં આવી ન હતી.
હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, બનાવના ચાર વર્ષ બાદ પીડિતા મળી આવી હતી અને તા. 03-07-2023ના રોજ તત્કાલની તપાસ અધીકારી દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેની પર માગો, કિશોર, સુનીલ, દિગો, તલી, સંજય, હસમુખ, કમલેશ અને વિજયે તેની ઇચ્છા વિરૂદ્ધ તેની પર બેરહમીથી દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના આ નિવેદન બાદ પણ પોલીસે તેને મેડિકલ એક્ઝામીનેશન કે તબીબી તપાસ માટે મોકલવામાં આવી ન હતી, કે સીઆરપીસીની કલમ-164 હેઠળ મેજિસ્ટ્રેટ રૂબરૂ તેનું કોઈ નિવેદન નોંધવામાં આવ્યું ન હતું.
એટલે સુધી કે, પોલીસ દ્વારા સંબંધિત પ્રકરણમાં દુષ્કર્મની કલમ પણ આરોપીઓ વિરૂદ્ધ ઉમેરવામાં આવી ન હતી, જે બહુ ગંભીર અને આઘાતજનક છે. એ પણ એટલી જ હકીકત છે કે, આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ સુધ્ધા કરવામાં આવી નથી. કે જયારે તેઓ સ્થાનિક રહેવાસીઓ જ છે.
પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ન તો સમરી રિપોર્ટ ફાઇલ કરાયો છે કે, ન તો ચાર્જસીટ દાખલ કરાયું છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં પણ પીડિતાના નિવેદનની સત્યતા પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખુદ પોલીસે સ્વીકાર્યું કે, તેમણે કાયદા મુજબ, તાત્કાલિક પીડિતાને તબીબી તપાસ માટે મોકલી ન હતી. આમ, સમગ્ર કેસની ચિંતાજનક અને સંવેદનશીલ હકીકતોને ધ્યાનમાં લેતાં સમગ્ર કેસની તપાસ જામનગર એસપીને કરવા અને આ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં, આગામી મુદતે તા. 17-12-2025ના રોજ જામનગર એસપીએ હાઈકોર્ટ સમક્ષ આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન વર્ચ્યુઅલ મોડમાં અચૂક હાજર રહેવાનું રહેશે.


