વર્ષ 2011 ની બેચના તત્કાલીન મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને કોઈ ચોક્કસ કારણોસર સરકાર દ્વારા બરતરફ કરાયા બાદ તેમના દ્વારા આ સામે હાથ ધરવામાં આવેલી કાયદાકીય લડાઈમાં તેમને જીત સાંપડી છે. હાઇકોર્ટ દ્વારા વિવિધ પાસાઓને તપાસી, ખંભાળિયા સહિત જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવી, નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને તેમને મળવાપાત્ર હક તેમજ બઢતી સાથે પુનઃ ફરજ પર લેવા માટેનો હુકમ કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વર્ષ 2018 ના સમયગાળામાં કથિત વિવાદોના કારણે બદલી પામીને દાહોદ ગયેલા અહીં પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને ટૂંકા સમયગાળામાં વર્ષ 2019માં સરકાર દ્વારા ચોક્કસ કારણ દર્શાવી અને બરતરફ કરવા માટેનો હુકમ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન નોકરી જતી રહેતા બાઈક પર હિમાલય સર કરી ચૂકેલા અને વિવિધ પડકારરૂપ કામગીરી કરીને ગેરરીતિઓ પ્રકાશમાં લાવી અને સરકારને વિવિધ રીતે ફાયદારૂપ બની રહેલા તત્કાલીન મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા તેના વતન જૂનાગઢ ખાતે ફૂડ પાર્સલ પોઇન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં તેમના દ્વારા આ ફૂડ પાર્સલ પોઇન્ટની રાજ્યભરમાં 14 જેટલી ફ્રેંચાયસી આપવામાં આવી છે.
આ વચ્ચે તેમના દ્વારા તેમને થયેલા કથિત અન્યાય અંગે સરકાર સામે કાયદાકીય લડત આપી હાઇકોર્ટમાં વિજય મેળવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને સિનિયોરીટી તથા મળવાપાત્ર લાભો સાથે પુનઃ ફરજ પર લેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
બરતરફ થયા બાદના સમયગાળામાં મામલતદાર ચિંતન વૈષ્ણવે ઉચ્ચ અભ્યાસ કરી અને ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. એટલું જ નહીં, અનેક વિદ્યાર્થીઓ માટે તેમના દ્વારા સેમિનાર તથા લેક્ચર પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.