ગુજરાત હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાને વિસ્તારમાં રખડતા ઢોર અને આખલાઓના ત્રાસને નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધીમાં લીધેલા પગલાં અંગે માહિતી આપવા જણાવ્યું છે. સોમવારે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચ સમક્ષ એક જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો હતો. અદાલતે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને આદેશ કર્યો છે કે, રખડતા ઢોર અને આખલાઓના ત્રાસને અંકુશમાં લેવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેની વિગતો અમારી સમક્ષ પ્રસ્તુત કરવા માટે સોગંદનામું દાખલ કરે. સુનાવણી દરમિયાન, અરજદારે જાહેર સ્થળો પર રખડતા ઢોર અને આખલાઓનાના ત્રાસને ઉજાગર કર્યો હતો, જેના પરિણામે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પવિત્ર અને પ્રવાસી સ્થળ એવા દ્વારકાની શેરીઓમાં આશરે 2,000 જેટલા રખડતા આખલાઓ ભટકી રહ્યા છે. કોર્ટે એ પણ નોંધ્યું કે સામાન્ય માણસના રખડતા આખલાઓના હુમલાને કારણે થયેલા જાનહાનિ વિશે અખબારોમાં પ્રકાશિત વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રખડતા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ્સ હાથ ધરવામાં આવે છે અને પકડાયેલા ઢોરને ગૌશાળા/આશ્રયસ્થાનમાં મૂકવામાં આવે છે. કોર્ટે ત્યારબાદ નગરપાલિકાના વકીલને તેમનો પ્રતિસાદ અને લીધેલા પગલાં અંગેનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો હતો.


