દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતમાં સુનાવણી સામે મનાઇ હુકમ ફરમાવતાં સોમવારે આ કેસના આરોપી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતને પાંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ભાજપાના સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ કરેલી અરજીના અનુસંધાનમાં હાઇકોર્ટે જવાબ માંગ્યો હતો. ભાજપા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. નીચલી અદાલતે સ્વામીએ કરેલી અરજીમાં રજૂ કરેલા પુરાવા અધારે કોંગ્રેસ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી તેમ જ અન્યો સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા ઇનકાર કરી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટે હવે સોનિયા, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહામંત્રી ઓસ્કાર ફર્નાન્ડિસ, સુમન દુબે, સામ પિત્રોડા, તેમ જ યંગ ઇન્ડિયાને 12 એપ્રિલ સુધીમાં સ્વામીની અરજી પર જવાબ આપવા કહ્યું હતું. ગાંધી પરિવાર અને અન્યો તરફથી હાજર થયેલા તરન્નુમ ચીમાએ કેસ 12 એપ્રિલ સુધી સ્થગિત રાખ્યાના અહેવાલોને સમર્થન આપ્યું હતું. સુબ્રમણ્યમ સ્વામીએ નીચલી અદાલતમાં ફરિયાદ દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો પર નેશનલ હેરાલ્ડના માધ્યમથી છેતરપિંડી અને અયોગ્ય રીતે નાણાં પ્રાપ્ત કરવાનું ષડ્યંત્ર રચ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.