ગુજરાતનો દરિયા કિનારો હંમેશા સંવેદનશીલ રહયો છે. આ દરિયાકિનારાનો ઉપયોગ હથિયાર સપ્લાય અને દાણચોરી માટે કરવામાં આવ્યો હતો. હાલમાં પણ દરિયામાંથી હેરોઇન મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. જખૌના દરિયાઇ વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. જેમાં 8 પાકિસ્તાની નાગરિક સાથે 150 કરોડનું 30 કિલો હેરોઇન મળી આવતા એટીએસ અને ગુજરાત પોલીસે તપાસ આરંભી છે.
આ અંગેની વિગત મુજબ કચ્છમાં જખૌના દરિયાઇ વિસ્તારના પાકિસ્તાની બોટ હોવાની કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ બન્ને એજન્સીઓએ કાર્યવાહી હાથ ધરી હતી અને આ પાકિસ્તાની બોટને આંતરીને તલાશી લેતા આ બોટમાંથી રૂા.150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન મળી આવ્યું હતું અને બોટમાં રહેલા 8 પાકિસ્તાની નાગરિકોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ ભારતીય જળસીમામાંથી હેરોઇનનો જથ્થો બોટ દ્વારા ઘુસાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને આ દરિયાઇ કિનારેથી અગાઉના સમયમાં પણ દાણચોરી અને હથિયાર ઘુસાડવાની કામગીરી કરવામાં આવતી હતી.