નાગરિકો વધુમાં વધુ ટેકનોલોજી ફ્રેન્ડલી બની રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઇમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધા ટેકનોલોજીના માધ્યમથી ઉપલબ્ધ કરી છે. હવે નાગરિકો માય ગર્વમેન્ટ કોરોના હેલ્પડેસ્ક વોટ્સપ નંબરનો ઉપયોગ કરીને પોતાના સ્માર્ટફોનમાં ગણતરીની સેકન્ડમાં કોવીડ વેક્સિન લીધાનું સર્ટીફીકેટ મેળવી શકે છે. આ ઉપરાંત વેક્સિન માટેની અપોઇમેન્ટ, કોરોના બાબતની સાચી અને પ્રમાણિક માહિતી સહિતની સુવિધાઓ મેળવી શકે છે. તો નોંધી લો આ વોટ્સઅપ નંબર – 9013151515.
આ વોટ્સએપ નંબરથી નાગરિકો એક સાથે અનેક સુવિધાઓ હાથવેતમાં તેમના સ્માર્ટફોનમાં મેળવી શકે છે. આ સુવિધાનો લાભ લેવા નાગરિકોએ ૯૦૧૩૧૫૧૫૧૫ ઉપર hi કરીને મેસેજ કરતા તેમને મેનુ વોટ્સઅપ કરવામાં આવશે. ખૂબ જ સરળ આ પ્રક્રિયામાં સામેથી મોકલવામાં આવતા ઓટીપીને વોટ્સઅપ કરવાનો રહેશે. ત્યાર બાદ કોરોનાના લક્ષણો જણાઇ તો શું કરવું, વેક્સિનેશનની અપોઇમેન્ટ, સર્ટીફીકેટ ડાઉનલોડ, કોરોના બાબતની લેટેસ્ટ અપડેટ, ઇમ્યુનિટી વધારવા શું કરવું, કોરોના બાબતે મદદ મેળવવા, કોરોના બાબતના સાચા સમાચાર અને મિથબુસ્ટર, સક્સેસ સ્ટોરીસ, વગેરે જેવી માહિતી તેના અનુક્રમ પ્રમાણેનો નંબર વોટ્સઅપ કરવાથી તુરત જ મેળવી શકાશે. વેક્સિન મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર પણ તુરત જ વોટ્સઅપ થઇને સ્માર્ટફોનમાં આવી જશે.