અંબાલાલ પટેલની આગાહી:
રાજ્યમાં હવે ચોમાસું જામ્યું છે. અને અત્યાર સુધીમાં સીઝનનો 34.14 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં દક્ષીણ ગુજરાતમાં સૌથી વધુ 36.9%, સૌરાષ્ટ્રમાં 33.2%, મધ્ય ગુજરાતમાં 32.4%, કચ્છમાં 31.3% અને ઉત્તર ગુજરાતમાં 28.6% વરસાદ વરસ્યો છે. 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી ઓગસ્ટ માસમાં વરસાદ કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે 30 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે અને તેના પરિણામે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પરિણામે નર્મદા નદીનું જળસ્તર વધશે.અને દક્ષીણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળ સ્તર વધતા ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડશે જયારે સૌરાષ્ટ્રમાં પણ શ્રાવણ માસની શરૂઆતમાં સારો વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તા.11 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશીમાં આવતા કન્યાના શુક્રના ભ્રમણના લીધે કૃષિ પાકો માટે ભ્રમણ સારું રહેતું નથી માટે ખેડૂતોએ પાક સંરક્ષણ માટેના પગલા લેવા જોઈએ. શ્રાવણની શરૂઆતમાં અને ઓગસ્ટ મહીનાની પાછલી તારીખોમાં વરસાદ પાડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યના ત્રણ જિલ્લા એવા છે જ્યાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડમાં 33.70 ઈંચ, નવસારીમાં 25 ઈંચ, ડાંગમાં 40 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કપરાડા તાલુકામાં સૌથી વધુ 43.77 ઈંચ, ઉમરગામ તાલુકામાં 36.81 ઈંચ, ખેરગામમાં 34.76 ઈંચ અને વાપીમાં 34.13 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.