દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો અસાધારણ સ્તરે પહોંચી છે. ઇંધણો પાછળ થતા ઊંચાં ખર્ચને કારણે પ્રજા આરોગ્ય સહિતના અન્ય ખર્ચ પર કાપ મૂકવા મજબૂર બની રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકોરેપ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલની કિંમતમાં થતા દરેક વધારાના કારણે ક્ધઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો થતો રહે છે. એસબીઆઇએ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતા ઊંચા ટેક્સમાં તાકીદે ઘટાડવાની માગ કરતા જણાવ્યું છે કે ઇંધણોની ઊંચી કિંમત ન કેવળ ફુગાવો વધારી રહી છે પરંતુ ગ્રાહકોને અન્ય આઇટમોનાં ખર્ચ પર કાપ મૂકવાની પણ ફરજ પાડી રહી છે.
એસબીઆઇના કાર્ડ પર થતાં ખર્ચના એનાલિસિસમાં સામે આવ્યું છે કે પ્રજા પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોના કારણે વધેલાં ખર્ચને પહોંચી વળવા બિનજરૂરી આરોગ્ય ખર્ચ પર કાપ મૂકી રહી છે. ફક્ત આરોગ્ય જ નહીં જનતા ગ્રોસરી અને અન્ય યુટિલિટી સેવાઓ પાછળનાં ખર્ચ પર પણ કાપ મૂકવા મજબૂર બની છે. આ પ્રકારનાં ઉત્પાદનની માગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
રિપોર્ટમાં એસબીઆઇના ગ્રપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડો. સૌમ્યા કાન્તિ ઘોષે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના શરૂઆતના મહિનાઓથી આ ટ્રેન્ડ જોવા મળ્યો છે અને ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે.
ઇંધણો પરના ભારે ટેકસને કારણે લોકો ભૂખ્યા રહેવા મજબૂર: એસબીઆઇ
લોકો આરોગ્ય પાછળ ખર્ચ ટાળી રહ્યા છે અને પરિવારોના કરિયાણાના બિલ ઘટી રહ્યા છે !