સાઉદી અરેબિયાની રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રિયાધ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. વરસાદ અને કડકડતી ઠંડીને કારણે સરકારે મંગળવારે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. શનિવારે થોડી મિનિટો માટે સૂર્ય બહાર આવ્યો હતો, પરંતુ ત્યારથી વાદળછાયું વાતાવરણ છે અને વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ટ્રાફિક જામની ફરિયાદ પણ અનેક લોકોએ કરી છે. એક વ્યક્તિએ કહ્યું કે જામના કારણે ઘરે પહોંચવામાં બે-બે કલાકનો સમય લાગી રહ્યો છે, જયારે પહેલા 15 થી 25 મિનિટ લાગતી હતી. જો કે હવે સરકારે તમામ શાળા-કોલેજો બંધ કરીને લોકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો સ્કૂલને બંધ કરવાની માંગ કરી રહ્યા હતા. એક યુઝર્સે કહ્યું કે રિયાધમાં આખા અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હોવા છતાં નાના બાળકો માટે શાળાએ જવું મુશ્કેલ બની રહ્યું છે.