રાજ્યમાં મેઘાવી માહોલ પૂર્ણ રીતે જામી ગયો છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળ બંબાકાર વ્યાપી ગયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 21 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ, કવાંટમાં 8 ઇંચ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે.નર્મદાના સાગબારામાં અને ડેડિયા પાડામાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે.
મધ્ય ગુજરાતમાં ’બારે મેઘ ખાંગા’ થયા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને રેલવે ટ્રેક – રોડ ધોવાઈ ગયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા છે. પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોની જીંદગી એનડીઆરએફની ટીમે બચાવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા હતા. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 21 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. બોડેલીના એક રહેણાંક વિસ્તારમાં પાણી ઘુસી જતા વિસ્તારમાં તળાવમાં ફેરવાયો છે અહીંથી 40 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમજ અહીં એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને ભારે મોટી તારાજી થઈ છે. લેન્ડ સ્લાઈડના કારણે ઉત્તરાખંડના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં અતિ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની 13 ટીમો, એસડીઆરએફની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. એસડીઆર એફની એક ટીમ છોટા ઉદયપુરમાં પણ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના 388 રસ્તાઓ બંધ છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંજના સમયથી શરૂ થયેલા મેઘ તાંડવના કારણે અમદાવાદ સરોવરમાં ફેરવાઈ ગયું હોવાનું જણાઈ રહ્યું હતું. અમદાવાદમાં રવિવારે રાતના 10 વાગ્યાથી સવાર સુધીમાં બચાવ કામગીરી માટે 12 જેટલા કોલ નોંધાયા હતા. જ્યારે ફાયર વિભાગને પણ 7 કોલ આવ્યા હતા. બચાવકર્મીઓએ ટોટલ 100 લોકોને પાણીમાંથી સલામત સ્થળોએ ખસેડ્યા હતા. અમદાવાદમાં ભારે વરસાદ બાદ સોમવારે સવારે પણ દાણીલીમડા ગામ, સિંધુ ભવન રોડ વિસ્તાર, ઈસ્કોન બ્રિજથી બોપલ જવાના રસ્તા પર, ઘુમા, આંબલી, ગોમતીપુરની ચાલીઓ સહિતના વિસ્તારોમાં 2-3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે લોકોના ઘરોમાં અને નીચાણવાળી કે બેઝમેન્ટની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળ તૂટવાના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તથા આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. બેઝમેન્ટમાં ભારે પાણી ભરાવાના કારણે ફોર વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવિવારે આશરે 1,500 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.