લગભગ 15 દિવસથી નિષ્ક્રિય રહેલું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગે બંગાળની ખાડી તરફથી ફૂંકાતા મોન્સૂની પવનોથી ધીરે-ધીરે દેશનાં પૂર્વ ક્ષેત્રના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચવાનો અંદાજ છે. દરમ્યાન બંગાળની ખાડીમાં નિર્માણ પામી રહેલું લો-પ્રેશર ચોમાસાને વેગ આપશે અને ટૂંક સમયમાં દેશના બાકી રહેલાં ભાગોને પણ આવરી લેશે. વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી સપ્તાહના પ્રારંભે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આને કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આ કારણે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો. આગામી બે દિવસ સુધી મુંબઈમાં આવું જ હવામાન રહેવાની સંભાવના છે. નાગપુરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. કેટલાંક સ્થળોએ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.
દિલ્હીના લોકો હજી ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. અહીં જુલાઈમાં મે મહિનાની જેમ ગરમી પડી રહી છે. ગુરુવારે અહીં લઘુતમ તાપમાન 30.6 ડીગ્રી નોંધાયું હતું. એ સામાન્ય કરતાં 3 ડીગ્રી સેલ્સિયસ વધારે છે. મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ હતું. જોકે મોડી રાત્રે અહીં હળવો વરસાદ પડ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ડેટા સવારે 8.05 કલાકે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 151 એટલે કે મોડરેટ લેવલ પર હતો.
દિલ્હીમાં છેલ્લાં 15 વર્ષમાં ચોમાસું આટલું મોડું પહોંચશે. આ પહેલાં 2006માં ચોમાસું 9 જુલાઈએ દિલ્હી પહોંચ્યું હતું. હવામાન વિભાગે અંદાજ લગાવ્યો હતો કે 10 જુલાઈની આસપાસ પશ્ચિમ યુપી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગો સાથે ચોમાસું દિલ્હી તરફ આગળ વધી શકે છે. આને કારણે દેશના મધ્ય અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ 2012માં 7 જુલાઈ અને 2006માં 9 જુલાઈએ દિલ્હી પહોંચ્યું હતું.
2002માં 19 જુલાઇએ પ્રથમ ચોમાસાનો વરસાદ થયો હતો. 1987માં આ 26 સૌથી મોડું 26 જુલાઈમાં આવ્યું હતું. 30 જૂન સુધી ચોમાસું પૂર્વ રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંદીગઢના કેટલાક ભાગો સિવાય દેશભરમાં ચોમાસું ફેલાઈ ગયું છે. હાલમાં એ બાડમેર, ભીલવાડા, ધોલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરમાં અટવાયેલું છે. સામાન્ય રીતે 8 જુલાઇ સુધીમાં ચોમાસું આખા દેશને આવરી લે છે.