- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર યથાવત રીતે ચાલુ રહી હતી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે એક કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવી પરિસ્થિતિ અને વરસાદી બ્રેક સાથે સૂર્યનારાયણના દર્શન થાય છે. આ વચ્ચે ગઈકાલે બપોરે ગરમી ભર્યો માહોલ યથાવત રહેતા બપોરે 1 થી 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર અઢી ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. જેના પગલે નિંચાણવાળા વિસ્તારોમાં ઘોડા પૂર જેવા પાણી વહ્યા હતા. ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 64 મીલીમીટર વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ, હરીપર, વિસોત્રી, ખજુરીયા, પીપળીયા, માધુપુર વિગેરે ગામોમાં ચારથી પાંચ ઈંચ તથા ભાતેલ ગામમાં સવારથી બપોર સુધીમાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા નદીઓમાં પુર આવી ગયા હતા. આજે સવારે પણ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઉઘાડ વચ્ચે તડકો નીકળ્યો હતો.
આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે બપોરે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 26 મીલીમીટર, દ્વારકા તાલુકામાં 19 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં સાત મીલીમીટર વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા તાલુકાનો 34 ઈંચ (846 મીલીમીટર) તેમજ દ્વારકામાં 22 ઈંચ (544 મીલીમીટર) વરસી ચુક્યો છે. જેથી સરેરાશ વરસાદ ખંભાળિયામાં 104 ટકા અને દ્વારકા તાલુકામાં 102 ટકા નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ 22 ઈંચ (548 મીલીમીટર) અને ભાણવડ તાલુકામાં સાડા તેર ઈંચ (339 મીલીમીટર) સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 80 ટકા જેટલો વરસી ગયો છે.
જિલ્લામાં ડેમની પરિસ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સૌ પ્રથમ ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ વધુ બે ડેમ સેઢા ભાડથરી અને સોનમતી પણ ઓવરફ્લો થઈ ગયા છે. જેના કારણે હેઠવાસના વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે.
કલ્યાણપુર તાલુકાના સાની ડેમના દરવાજા ખુલ્લા હોવાથી ઉપરવાસમાં પાણીની સતત આવક થવાના કારણે આ ડેમનું પાણી રસ્તા પર આવી ગયું હતું અને રાવલ તથા કલ્યાણપુરનો રસ્તો થોડો સમય બંધ થઈ ગયો હતો.
- Advertisement -