એક સપ્તાહ પહેલાં જામનગર જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિએ મચાવેલી તબાહીની હજુ કળ વળી નથી ત્યાં ફરી એક વખત જામનગર સહિત હાલારમાં મેઘતાંડવની દહેશત ઉભી થઇ છે. બુધવાર અને ગુરૂવારે હાલારના બન્ને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વિદેશી હવામાન એજન્સી વિડી અને બીબીસી વેધરે દર્શાવી છે. તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને ભારતીય હવામાન વિભાગે પણ બે દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની પૂરી સંભાવના દર્શાવી છે. આમ લગભગ તમામ એજન્સીઓ હાલારમાં ભારે વરસાદ વરસશે તેવું સૂચવી રહી છે.
બંગાળની ખાડીમાં ઉદભવીને જમીન પર ત્રાટકેલાં ગુલાબ વાવાઝોડા અને અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિંક સરકયુલેશનને કારણે સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે પહેલેથી જ અતિવૃષ્ટિને માર જેલી રહેલા જામનગર જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં ફરીથી વધારો થઇ શકે છે. નવી આગાહીને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે. તો વહિવટી તંત્ર પણ સાબદું બન્યું છે.
ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે તેમ જ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડિસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.