ગઇકાલે ધૂળેટી પર્વના દિવસે રાજયના મોટાભાગના વિસ્તારમાં હિટવેવની સ્થિતિ રહી હતી. રાજયના એક ડઝન જેટલા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે ભૂજ, અમદાવાદ, વડોદરા, વાપી, ડિસા, પાલનપુર જેવા શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહેતાં બપોરના સમયે સખત તાપ સાથે લૂ ફૂંકાઇ હતી. જેને કારણે હોળીના રંગરસિયાઓને અસહ્ય તાપનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ જામનગર શહેરમાં હિટવેવ વચ્ચે રાહતની સ્થિતિ રહી હતી. શહેરમાં ગઇકાલે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયુઁ હતું. જે સામાન્ય છે. સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.