Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયાના ભાડથર ગામે આરોગ્ય મેળો યોજાયો: 600 દર્દીઓએ લાભ લીધો

ખંભાળિયાના ભાડથર ગામે આરોગ્ય મેળો યોજાયો: 600 દર્દીઓએ લાભ લીધો

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ચોથી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તાલુકાના ભાડથર ગામે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી યોજવામાં આવેલા આ આરોગ્ય મેળામાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરિયા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પી.એમ.જે.એ.વાય. યોજના, ટેલી કન્સલ્ટેશન, એનિમિયા મુક્ત ગુજરાત, ટી.બી., વાહક જન્ય રોગો, ટ્રેડિશનલ મેડિસન, કલાઈમેટ ચેન્જ, રસીકરણ, મેન્ટલ હેલ્થ, અંધત્વ નિવારણ કાર્યક્રમ, સહિતની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ તથા કાર્યક્રમો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ સ્થળે કુલ 18 સ્ટોલ દ્વારા માર્ગદર્શન આપી અને લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, નયારા એનર્જીના પ્રતિનિધિ વિગેરેની ઉપસ્થિતિમાં સ્ત્રીરોગ, બાળરોગ, આંખના રોગ, દાંતના રોગ, હાડકાના રોગ, માનસિક રોગ વિગેરેના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને તપાસી નિદાન અને સારવાર આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે 600 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
આટલું જ નહીં, આ બ્લોક હેલ્થ મેળામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત ટી.બી.ના દર્દીઓ અને જોખમી સગર્ભા સ્ત્રીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે ન્યુટ્રિશિયન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે અન્ય યોજનાના લાભાર્થીઓને પ્રતીકાત્મક ચેકનું વિતરણ કરાયું હતું.
બ્લોક હેલ્થના આ મેળાના આયોજનને સફળ બનાવવા ડો. કેતન ભારથી તથા ભાડથર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સાથે સરકારની આરોગ્યલક્ષી વિવિધ સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે લોકોએ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ કાર્ડ કઢાવી લેવા માટે ખંભાળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ જેઠવાની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular