જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયરની કચેરીમાં જઇ પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવા પડશે. નહીં તો એડવોકેટ હારૂન પલેજાનું ખૂન થયું તેમ ખૂન કરાવી એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ફરજ રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં સીટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં ભાવેશભાઇ નટવરલાલ જાની (ઉ.વ.50) નામના કર્મચારી મંગળવારે તેની ઓફિસમાં હતાં તે દરમિયાન મહિલા કોર્પોરેટરના પતિ અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દિપુ વાલજી પારીયા નામના સખ્સે મંગળવારે બપોરના સમયે સીટી એન્જિનિયર તેની ઓફિસમાં હતાં ત્યારે ચેમ્બરમાં જઇ વોર્ડ નં. 7ની ઇમ્પેકટ ફીની ફાઇલ ક્લિયરીંગ કરી આપવા ધાક-ધમકી આપી હતી અને સીટી એન્જિનિયરને ‘હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલ મારી પત્નિ કોર્પોરેટર છે તમારે મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો (ખંડણી) આપવી પડશે’ તેમ કહી ઉશ્કેરાઇને સીટી એન્જિનિયરના શર્ટનો કાઠલો પકડી ‘હારૂન પલેજાનું ખૂન થયેલ છે તેમ તમારું ખૂન કરાવી નાખવાની અને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની’ ધાક-ધમકીઓ આપી, અપશબ્દો બોલી બળજબરીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી સીટી એન્જિનિયરની ફરજમાં રુકાવટ કરી હતી.
મહિલા કોર્પોરેટરના પતિ અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દિપુ પારીયાએ ધમકી આપી ખંડણી માગ્યાની ફરિયાદ સીટી એન્જિનિયરે સીટી-એ ડિવિઝનમાં નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ ટી.ડી. બુડાસણા તથા સ્ટાફે તેજશી વિરુધ્ધ ફરજમાં રુકાવટ, ખંડણી અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.