જામનગર શહેરમાં રહેતાં શ્રમિક યુવાનના લગ્ન માટે જામનગર અને સુરતના ચાર શખ્સોએ બે લાખ રૂપિયામાં મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ યુવતી પલાયન થઈ જતાં યુવાને યુવતી સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાત બહારની યુવતીઓ સાથે લગ્નવાંચ્છુક યુવાનોના લગ્ન કરાવી પૈસા પડાવી છેતરપિંડી આચરવાના ગુનાઓ વધી ગયા છે. દરમિયાન જામનગર શહેરમાં ખોડિયાર કોલોની અંધાશ્રમ પાછળ આવેલા રાજીવનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા નાથાભાઈ વિરમભાઈ પરમાર (ઉ.વ.38) નામના યુવાને તેના લગ્ન માટે જામનગરના ધરારનગરમાં રહેતાં અસગર મુસા સોતા નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને અસગર સોતાએ સુરતના ફરજાનાબેન તથા શામાબીન સલીમશા અને જીજાબેન પાટીલની મદદ વડે મહારાષ્ટ્રના બુલઢાણાના ખામગાવમાં રહેતી મનિષાબેન ગજાનન માનવતે નામની યુવતી સાથે નાથાના લગ્ન કરાવવા માટે વિશ્વાસમાં લઇ નાથા પાસેથી રૂા.2 લાખ પડાવી લીધા હતાં અને ત્યારબાદ બંનેના લગ્ન કરાવી દીધા હતાં.
લગ્ન જીવન શરૂ થયા બાદ થોડા જ સમયમાં મહારાષ્ટ્રની યુવતી મનિષાબેન તેના પતિ સાથે વિશ્ર્વાસઘાત કરી પલાયન થઈ ગઈ હતી. ત્યારબાદ પત્ની નાશી જતાં નાથા પરમારએ જામનગરના શખ્સ અને તેની પત્ની મનિષાબેન સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ બે લાખ રૂપિયા પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી લગ્ન કરાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.