જામનગર શહેરમાં અંગ દઝાડતી ગરમીથી લોકો અકળાઇ ઉઠયા છે. તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી જતાં અસહ્ય ગરમીથી લોકોના હાલ-બે-હાલ થઇ ગયા છે. ગરમીના વધતા પ્રકોપથી લોકો રાહત મેળવવા ઠંડાપીણાનો સહારો લઇ રહ્યાં છે.
જામનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનું પ્રમાણ વધતાં બપોરના સમયે પણ એસી અને પંખાનો ભરપુર ઉપયોગ થવા લાગ્યો છે. જામનગર કલેકટર કચેરીના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 10.6 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી. શહેરમાં આગ ઝરતી ગરમીથી મનુષ્યની સાથે સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. બપોરના સમયે પશુઓ પણ છાયડાઓની શોધમાં આમ-તેમ ભટકતાં રહે છે. તો બપોરના સમયે સૂર્યનારાયણના આકરા તાપને કારણે માર્ગો પણ સુમસામ બનતા જોવા મળી રહ્યાં છે.
બફારાના કારણે શહેરીજનો લૂ થી બચવા શેરડીનો રસ, ગોલા, છાસ-લસ્સી, આઇસ્ક્રિમ સહિતની ઠંડી ખાણી-પીણીનો સહારો લેતાં જોવા મળી રહ્યાં છે.