ગુજરાતભરમાં દિવસેને દિવસે નાગરિકો પરથી કોરોના નામના રાક્ષસનો પ્રકોપ ઓસરી રહ્યો છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના નવા 244 કેસ સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બીજી બાજુ સમગ્ર ગુજરાતમાંથી વધુ 355 દર્દીઓ કોરોના સામેની લડાઈ જીતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે.
છેલ્લા એક મહિનાથી રાજ્યમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે ખુશીની વાત એ રહી કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ 97.43 ટકાએ પહોંચી ગયો છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,63,443 થઈ ગઈ છે.
ગુજરાત કોરોના સામે સતત જંગ જીતવામાં સફળ થઈ રહ્યું છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 2379 છે. જેમાં 24 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી 2 લાખ 56 હજાર 660 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 4395 લોકોના મૃત્યુ થયા છે.
સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસના આંકડા પર નજર નાખીએ તો રવિવારે અમદાવાદમાં નવા 53 પોઝિટીવ કેસ નોંધાયા છે, જ્યારે એકનું મોત થયું છે. વડોદરામાં 75 અને રાજકોટમાં 42, સુરતમાં 32 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 8 કેસ અને જામનગરમાં 6 કેસ, જૂનાગઢમાં 2, મહેસાણામાં 7, કચ્છમાં 5 કેસ, આણંદમાં 4, સાબરકાંઠામાં 3, ખેડામાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 અને અમરેલીમાં 1 કેસ, મોરબી અને મહિસાગરમાં 1 – 1 કેસ નોંધાયો છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેમાં રવિવારે ગુજરાતમાં 555 કેન્દ્રો પરથી 13, 625 લોકોને કોરોના વેક્સિન અપાઈ છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5, 55, 179 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.