જામનગર શહેર-જિલ્લામાં બે સપ્તાહથી કોરોનાની બીજી લહેરનો કહેર સતત વધી રહ્યો છે તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધતુ જાય છે અને આ મહામારીમાં મૃત્યુઆંક પણ સતત વધે છે. આજે હાપા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટરનું કોરોનાથી મોત નિપજ્યું હતું. ઉપરાંત અન્ય આઠ દર્દીઓના મોત નિપજયા છે. 24 કલાક દરમિયાન શહેર-જિલ્લામાં 60 નવા કેસ નોંધાયા હતાં. જ્યારે 40 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઝડપથી વકરતી જાય છે. આ મહામારીમાં છેલ્લાં બે સપ્તાહથી પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને આ કહેરમાં મોતનું પ્રમાણ પણ વધતુ જાય છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં આઠ દદીિઓના કોરોનાથી મોત થયા છે. જેમાં માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ભગવાનજીભાઈ ધમસાણિયાનું કોરોનાને કારણે મૃત્ય નિપજ્યું હતું. તેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ડાયરેકટરના મૃત્યુથી યાર્ડની હરરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે તેમજ અન્ય સાત વ્યકિતઓના મોત થવાને કારણે હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 33 અને ગ્રામ્ય વિસ્તારોમાં 27 નવા દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે શહેરમાં 29 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 દર્દીઓ મળી કુલ 40 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર અવિરત રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્ર્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે ભારતમાં આ મહામારીની બીજી લહેરનો પ્રારંભ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેશભરમાં 89,129 કેસો નોંધાયા છે. જ્યારે 44,202 દદીઓએ કોરોનાને માત આપી છે અને 714 દર્દીના મોત નિપજ્યા છે. દેશમાં આજ દિવસ સુધીમાં કુલ 1,23,92,260 કેસ નોંધાયા છે અને 1,64,110 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 2640 કેસ નોંધાયા છે. જ્યારે 11 લોકોના સતાવાર રીતે મોત નિપજ્યાનું તંત્રએ જાહેર કર્યુ છે. તેની સામે સમગ્ર દેશમાં કોરોના વેકિસનની કામગીરી રેકોર્ડબ્રેક થઇ રહી છે. જેમાં ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 4,40,346 લોકોને કોવિડ વેકિસન આપવામાં આવી છે.