ભારે વિવાદાસ્પદ રહેલાં ગુજરાત. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા તેમજ ગ્રામિણ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સહિત અડધો ડઝન જેટલાં બોર્ડ અને સંસ્થાઓના અધ્યક્ષોના અચાનક રાજીનામા લઇ લેવામાં આવતાં રાજકીય હલચલ મચી છે.
રાજ્યના લાખો યુવાનોના ભવિષ્ય સાથે હેડકલાર્ક પેપર લીક કાંડમાં ચેડા કર્યા બાદ સત્તાપદે બિરાજમાન અસિત વોરાનું અંતે આકસ્મિક રાજીનામું લેવાયું છે. પોલિટીકલ અપોઈન્ટમેન્ટ ગણાતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી વોરાએ સોમવારે રાજીનામું આપ્યું છે. અહેવાલ અનુસાર નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ વોરાએ રાજીનામું આપ્યું છે. પેપર લીક કાંડમાં નામ ઉછળ્યા બાદ તપાસ રિપોર્ટમાં વોરા જવાબદાર હોવાની વાત ધ્યાને પડતા અંતે સીએમ પટેલે વોરાનું રાજીનામું માંગી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માત્ર વોરા જ નહિ પરંતુ મંડળના અન્ય ટોચના અધિકારીઓ જેમનું નામ આ પેપરલીક કાંડમાં બહાર આવ્યું છે તેમનું પણ રાજીનામું લઈ લેવાયું છે. કાર્યકાળ પુરો થયા પહેલાં જ વોરાને પદથી હટી જવા મોવડીમંડળનો આદેશ આવતા અંતે રાજીનામું આપવાની ફરજ પડી છે.
એક નબળા વહીવટકર્તાની સાથે નવા કોમ્યુનિકેટરની સાથે રાજકીય હાથો ગણાતા અસિત વોરાને ખરાબ ટ્રેક રેકોર્ડ અને આગામી મહિનામાં યોજાનારી હેડકર્લાકની પુન:પરીક્ષા અને બિનસચિવાલયની પરીક્ષા પૂર્વે સરકારની છબી સુધારવા અને જુના ડાઘ દૂર કરવાના પ્રયાસ તરીકે પેપરલીક કૌભાંડના અઢી માસ બાદ આ રાજીનામું લેવાતા અનેક અટકળો પણ ઉભી થઈ છે. અસિત વોરા આ અગાઉ અમદાવાદ શહેરના મેયરપદે પણ રહી ચૂક્યાં છે.
વોરા સિવાય સરકારે અગાઉની વિજય રૂપાણી સરકાર દ્વારા થયેલ આશંકિત રાજકીય નિમણૂકોને સુધારવા માટે અન્ય બોર્ડ અને સંસ્થાના વડાના પણ રાજીનામાં લીધા છે. આ યાદીમાં આઈકે જાડેજાનું નામ ટોચ પર છે. અસિત વોરા, આઈકે જાડેજા, મુલુભાઈ બેરા, હંસરાજ ગજેરા અને બળવંત સિંહ રાજપૂતને પણ તેમના પદનો ત્યાગ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી છે. તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.