જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાસ-ગરબાની રમઝટ ચાલી રહી છે. હડિયાણામાં ખંભલાવ કુમારીકા ગરબા મંડળ, હરસિધ્ધિ કુમારીકા ગરબા મંડળ, અંબિકા કુમારીકા ગરબા મંડળ, નવદુર્ગા કુમારીકા ગરબી મંડળ, ખોડિયાર કુમારીકા ગરબા મંડળમાં બાળાઓ દ્વારા દશ દિવસ સુધી ગરબે રમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
આ બધી ગરબીઓમાં ડીજેની જગ્યાએ બાળાઓ દ્વારા પ્રાચીન ગરબાઓ ઉપર માતાજીના ગુણગાન સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં 6 થી 12 વર્ષની બાળાઓ ગરબે રમે છે. ગ્રામજનો દરેક ગરબા મંડળના બાળાઓના રાસ નિહાળવા પહોંચે છે. આઠમા નોરતે ખંભલાવ માતાજીના મંદિરે નવચંડી હવનનું આયોજન કરાયું હતું. તેમજ નવમા નોરતે નવદુર્ગાં માતાજીના મંદિરે અને દશમા નોરતે હરસિધ્ધિજી માતાજીના મંદિરે હવનનું આયોજન કરાય છે. જેમાં ભાવિકભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા દરેક ગરબા મંડળમાં બાળાઓની લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું.