ભારતમાં ગુલમહોર નામ પડ્યા વિશે તેવું કહેવાય છે કે જેનો સિક્કો (મહોર) પડે તેવું ફૂલ (ગુલ) એટલે ગુલમહોર. બીજા મુદ્દા પ્રમાણે વૃક્ષ તેમજ ફૂલનો દેખાવ લગભગ મોર જેવો છે. એવું કહીને મહોર નહીં પરંતુ મોર શબ્દ છે એમ પ્રતિપાદિત પણ કરવામાં આવે છે. તેથી ગુલમહોરને પિકોક ટ્રી પણ કહેવામાં આવે છે. કવિઓ પણ ફૂલનો દેખાવ કળાયેલ મોર જેવો હોવાનું કહે છે. બંગાળમાં તેને ભગવાનશ્રી કૃષ્ણનો મુગટ કહેવામાં આવે છે. આ વર્ષમાં નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર રાખવાનો અને જમીનની ગુણવત્તામાં સુધારો કરવાનો ગુણ છે. મૂળ મડાગાસ્કરના ઓછા વરસાદવાળા જંગલોમાં જોવા મળતું આ વૃક્ષ ગમે તે પરિસ્થિતિમાં ગમેત્યાં સહેલાઇથી ઉગી શકે છે. તેમજ ગુલમહોરનું વૃક્ષ 5 મીટરથી 12 મીટર ઉંચાઇ સુધી ફાલી શકે છે. ફૂલો લગભગ 8 સે.મી.ની ચાર પાંખડીના હોય છે અને તેની પાંચમી પાંખડી સીધી અને ટટ્ટાર ઉભી હોય છે.