ડ્રાયસ્ટેટ ગુજરાતના શરાબ શોખીનો માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે. રાજ્ય સરકાર ગિફ્ટસિટી બાદ રાજ્યના વધુ ત્રણ સ્થળોએ દારૂબંધી હળવી કરવા માટે વિચારણા કરી રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ કરીને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે માટે વધુ ત્રણ સ્થળોએ દારૂબંધી હળવી કરવા રાજ્ય સરકાર તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણ સ્થળોમાં કચ્છના ધોરડોમાં યોજાતો રણોત્સવ, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સુરતમાં હાલમાં જ નિર્માણ પામેલ ડાયમંડ બુર્સ પરિસરનો સમાવેશ થાય છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા સમય પહેલાં મિડીયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા તેમજ વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂની પરમીટ મેળવવા એક મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેના ટેસ્ટ રન પૂર્ણ થવાની રાહ જોવાઇ રહી છે. જે પૂર્ણ થયા બાદ ઔપચારિક રીતે આ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે. જેના દ્વારા રાજ્યના સ્થાનિક ઉપરાંત બહારના લોકો બન્ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી નિયત ફીની ચૂકવણી કરી દારૂ માટેની ડિઝિટલ પરમીટ મેળવી શકશે. આ પરમીટ ધારક રાજ્યની અધિકૃત હોટલોમાંથી દારૂ ખરીદી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 30 ડિસેમ્બર 2023ના રોજ ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટી વિસ્તારમાં દારૂબંધી હળવી કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારને વધારાની એકસાઈઝ આવક મળી છે. સાથે સાથે ગિફ્ટ સિટી તરફ ભારતની તેમજ વિદેશની નવી નવી કંપનીઓ આકર્ષાવા લાગી છે. ગિફ્ટ સિટીની તર્જ પર કચ્છમાં યોજાતા રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુરતના ડાયમંડ બુર્સમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં પણ કેટલીક શરતો સાથે છૂટછાટ આપવામાં આવી શકે છે. 2036માં ગુજરાત ઓલિમ્પીકની મેજબાની પણ કરવા જઇ રહ્યું છે ત્યારે સ્વાભાવિકપણે મોટી સંખ્યામાં વિશ્ર્વભરમાંથી વિદેશીઓ આ ઇવેન્ટને માણવા, નિહાળવા ગુજરાતમાં આવશે. ત્યારે આ વિદેશીઓની સંખ્યામાં કોઇ વિપરિત અસર ન થાય તેને ઘ્યાનમાં રાખીને પણ રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ સ્થાનો પર દારૂબંધી હળવી કરવાની ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે.
રાજ્યના પ્રવાસન વિભાગના આંકડા મુજબ 2005 થી કચ્છના ધોરડોમાં 100 દિવસના રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 2021, 2022 અને 2023માં આ રણોત્સવ માટે ટેન્ટ સિટી ઉભું કરવા માટે લગભગ 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 465 જ જોવા મળી હતી. વિદેશીઓની ઓછી સંખ્યા માટે ગુજરાતની દારૂબંધીને પણ જવાબદાર માનવામાં આવે છે. ત્યારે જો અહીં દારૂબંધી હળવી કરવામાં આવે તો, વિદેશીઓ તથા અન્ય રાજ્યના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ શકે તેવું પ્રવાસન વિભાગ માની રહ્યું છે. લગભગ આવી જ સ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવર્તી રહી છે. અહીં 2022માં કુલ 46 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 22,000 હતી. આમ, રાજ્યના શરાબ શોખીનો માટે રાજ્ય સરકાર તરફથી આનંદદાયક સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે.


