ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની ભૂમિ પર આવી પહોંચતા બન્નેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે વિમાનમાર્ગે રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જયાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા જ હેલિકોપ્ટર દ્વારા તેઓ આટકોટ પહોંચ્યા હતા. બીજી તરફ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.