વિશ્વ ની સૌથી ઉંચી ગણાતી કાશ્મીરની ઝોજીલા ટનલ પાસે રાત્રીના સર્જાયેલી એક ભીષણ દુર્ઘટનામાં પ્રવાસીને લઈ જતી ટ્રાવેરા 800 ફુટ ઉંડી ખાઈમાં ખાબકતા ગુજરાતના એક પ્રવાસી સહિત નવનાં મોત થયા છે અને એકને ઈજા થઈ છે. મૃત્યુ પામેલા ગુજરાતના પ્રવાસીનું નામ અંકીત દિલીપભાઈ હોવાનું જાહેર થયું છે. તેઓ સુરતના હતા અને વધુ પ્રવાસીઓની માહિતી મેળવાઈ રહી છે.
શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પાસે ઝોજીલા ટનલના પાસ નજીક આ દુર્ઘટના બની હતી. કાશ્મીર પાસીંગની ટ્રાવેરા કારગીલથી શ્રીનગર જઈ રહી હતી જેમાં તે અચાનક રોડ પરથી લપસીને 800 ફુટ ઉંડી ખીણમાં ગબડી પડી હતી જેમાં ચાર પ્રવાસીઓના ઘટનાસ્થળે અને અન્ય પાંચના હોસ્પીટલમાં મૃત્યુ થયા હતા. એક પ્રવાસીને ઈજા થઈ હતી. સુરતના પ્રવાસી 36 વર્ષના અંકીત દિલીપભાઈની સાથે ગુજરાતનું જ ગ્રુપ હતું કે અન્ય કોઈ તે હજુ જાહેર થયું નથી.
શ્રીનગર લેહ હાઈવે પરનો આ માર્ગ ખૂબ જ જોખમી ગણાય છે અને અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.