મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગૃહમંત્રી અમિતભાઈ શાહના મહારાષ્ટ્ર પ્રવાસ પછી પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને એક પત્ર લખ્યો છે. રિપોર્ટ મુજબ ઠાકરેએ આ ભાવનાત્મક પત્રમાં શિવસૈનિકોને જણાવ્યું છે કે ગુજરાતી ગૃહમંત્રીએ તાજેતરમાં પ્રવાસમાં શિવસેનાને ખતમ કરવાની હિમ્મત કરી છે. મહારાષ્ટ્રના સીએમે પત્રમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યુ છે અને જણાવ્યું કે તેઓ જાણીજોઇ અજાણ્યા બનીને રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઈ શાહે તાજેતરમાં મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. અહીંના સિંધુદુર્ગમાં તેમણે રવિવારે એક ખાનગી મેડિકલ કોલેજના ઉદ્ઘાટન દરમિયાન શિવસેના પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ગૃહમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે તેના સ્થાપક બાલ ઠાકરેના ધોરણોને બાજુએ રાખ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે તે લોકોના જનાદેશ સાથે દગો કરીને રચાયેલો અપવિત્ર ગઠબંધન છે, જ્યારે જનાદેશ દેવેન્દ્ર ફડણવીસની નેતૃત્વવાળી ભાજપ-શિવસેના (ગઠબંધન) સરકાર માટે હતો.