Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારત સરકારના કોરોના પોર્ટલ પર ગુજરાતનાં આંકડા ઉપલબ્ધ નથી !

ભારત સરકારના કોરોના પોર્ટલ પર ગુજરાતનાં આંકડા ઉપલબ્ધ નથી !

ગુજરાતમાં RT-PCR ટેસ્ટ વધારવા કેન્દ્ર સરકારની સુચના

ગુજરાતમાં કોવિડ-19 વાયરસના ચેપની સ્થિતિ ચકાસવા માંડ 40થી 50 ટકા જ RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના માટે એન્ટિજન ટેસ્ટ સંપૂર્ણ અક્સીર નથી. લક્ષણો હોય છતાંય ઘણાખરા કિસ્સામાં એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે, આથી ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સરકારને પત્ર લખીને ઓછામાં ઓછા 70 ટકા RT-PCR ટેસ્ટ કરવા સૂચના આપી છે.

- Advertisement -

ભારત સરકારના ગૃહ વિભાગની સૂચના બાદ આરોગ્ય વિભાગમાં તપાસ કરતાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરો, નાનાં શહેરો તેમજ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર તંબુઓ લગાવીને થતા એન્ટિજન ટેસ્ટનો પૂરેપૂરો ડેટા ભારત સરકારના પોર્ટલમાં પણ અપલોડ ન થતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, નાગરિકો માટે વેબસાઈટ પર ઉપલબ્ધ આરોગ્ય વિભાગના ગુજરાત કોવિડ-19 પોર્ટલ પર જે ટેસ્ટના આંકડા આપવામાં આવે છે. તેમાં નાગરિકોના થતા ટેસ્ટના ખર્ચમાં RT-PCR અને એન્ટિજન ટેસ્ટનું પ્રમાણ કેટલું છે એની કોઈ વિગતો મૂકવામાં આવી નથી.

કોરોનાના ટેસ્ટિંગની કામગીરી અંગે આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગત વર્ષે એઈમ્સના ડાયરેક્ટર અમદાવાદ આવ્યા ત્યારે પણ તેમણે લક્ષણો છતાં અને એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવાની સૂચના આપી હતી. તેથી ચેપગ્રસ્તનો રિપોર્ટ જાણીને સારવારમાં કોઈ તકલીફ પડતી નથી. બાકી જ્યાં સુધી બે પ્રકારના ટેસ્ટના ડેટાની વાત છે તે મ્યુ. કોર્પોરેશન, પાલિકા-પંચાયત અને જિલ્લા તંત્ર સીધા જ પોર્ટલમાં અપલોડ કરે છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. કોરોનાના નવા કેસો રોજ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે. છેલ્લા 36 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 11528 એક્ટિવ કેસ છે. સાથે જ અત્યાર સુધીમાં 3 લાખ 866ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,492 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 84 હજાર 846 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26, 396 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 45 લાખ 66 હજાર 141 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 29 હજાર 222 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 51 લાખ 95 હજાર 363નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular