દેશમાં સોલાર અને વીન્ડ એનર્જી ઉત્પાદન કરતાં ટોચના પાંચ રાજ્યો અને દરિયાઇ મોજાથી થતી ઉર્જા ઉત્પન્ન સહિતની વિગતો અંગે રાજય સભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા રાજયસભામાં માહિતી માંગવામાં આવી હતી. જેના પ્રત્યુતરમાં ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી અને પાવર મિનિસ્ટર દ્વારા ગુજરાત સૌર અને પવનઉર્જા ક્ષમતામાં દેશમાં બીજા સ્થાને હોવાનું જણાવ્યું હતું અને સાંસદ દ્વારા માંગવામાં આવેલી વિગતો ઉપલબ્ધ કરાવી હતી.
કુલ 8,887.72 મેગાવોટ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી આર.કે. સિંહ દ્વારા આ માહિતી રાજ્યસભામાં 28 માર્ચના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપતાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
મંત્રીના નિવેદન અનુસાર સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 એમડબલ્યુ), ગુજરાત (8,887.72 એમડબલ્યુ), કર્ણાટક (8,110.48એમડબલ્યુ), તમિલનાડુ (6,536.77 એમડબલ્યુ) અને તેલંગાણા (4,657.18 એમડબલ્યુ) છે. નિવેદન અનુસાર, મહત્તમ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ (9,983.12 એમડબલ્યુ), ગુજરાત (9,925.72 એમડબલ્યુ), કર્ણાટક (5,276.05 એમડબલ્યુ), મહારાષ્ટ્ર (5,012.83 એમડબલ્યુ) અને રાજસ્થાન (4,681.82 એમડબલ્યુ) છે.
નથવાણી રિન્યૂએબલ એનર્જીના ઇન્સ્ટોલેશન તેમજ ઉત્પાદન માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનો તેમજ આ પ્રોત્સાહનો સૌર પેનલ્સ, એલ્યુમિનિયમ ચેનલ્સ, પવનચક્કીઓ વગેરે જેવા ઉપકરણોના ઉત્પાદકોને લાગુ પડે છે કે કેમ તથા દેશમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન કરતાં ટોચના પાંચ રાજ્યો વિશે અને દરિયાઈ મોજાથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તેની વિગતો જાણવા માગતા હતા.
મંત્રીના નિવેદન અનુસાર ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય દેશમાં સ્થાનિક રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદનના વિકાસ અને સુવિધા માટે સતત નીતિઓ લાવી રહ્યું છે. દેશમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉત્પાદન માટે ઘરેલું ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી તાજેતરની કેટલીક યોજનામાં અન્ય બાબતોની સાથે, સોલાર એનર્જી: પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ફોર હાઇ એફિશિયન્સી સોલાર પીવી મોડ્યૂલ્સ, ડોમેસ્ટિક ક્ધટેન્ટ રિક્વાયર્મેન્ટ, પ્રેફરન્સ ટુ મેક ઇન ઇન્ડિયા ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ, સોલાર પીવી સેલ અને મોડ્યુલોની આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી લાદવી અને કસ્ટમ્સ ડ્યુટી રાહતો બંધ કરવી.
મંત્રીના નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ સ્તરની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાનો અમલ કરી રહી છે. આ સ્કીમમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના ઉત્પાદન અને વેચાણ પર પાંચ વર્ષ માટે પસંદ કરેલા સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદકોને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ આપવા માટેની જોગવાઈ છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે એમએનઆરઇની કેટલીક વર્તમાન યોજનાઓ હેઠળ જેમ કે સીપીએસયુ સ્કીમ ફેઝ-॥, પીએમ-કેયુએસયુએમ કમ્પોનન્ટ બી અને ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ ફેઝ-॥ હેઠળ સરકારી સબસિડી આપવામાં આવે છે, તેમણે સ્થાનિક ઉત્પાદકો પાસેથી સોલાર પીવી સેલ્સ અને મોડ્યૂલ્સ ખરીદવા ફરજિયાત કરવામાં આવ્યા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પબ્લિક પ્રોક્યોરમેન્ટ (મેક ઇન ઈન્ડિયા) ઓર્ડર’ના અમલીકરણ દ્વારા સરકારી સંસ્થાઓ માટે સ્થાનિક રીતે ઉત્પાદિત સોલાર પીવી મોડ્યુલ અને સ્થાનિક રીતે ઉત્પાદિત સોલાર ઈન્વર્ટરની ખરીદી અને ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.
સરકારે 01-04-2022થી સોલાર પીવી સેલ અને મોડ્યુલની આયાત પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાદી છે. એમએનઆરઇ દ્વારા 02-02-2021ની અસરથી સોલાર પીવી પાવર પ્રોજેક્ટના પ્રારંભિક સેટઅપ માટે સામગ્રી/સાધનોની આયાત માટે કસ્ટમ ડ્યુટી ક્ધસેશન સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધું છે, તેમ પણ નિવેદનમાં જણાવાયું છે. મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે ટાઇડલ એનર્જી હજુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તબક્કામાં છે અને તેને દેશમાં વ્યાપારી ધોરણે લાગુ કરવામાં આવી નથી.