કેન્દ્ર સરકારે પોતાના ખાસ સંરક્ષણ પ્રદર્શન ડીફેન્સ એકસ્પો-2022રને 18 થી 22 ઓકટોબર દરમ્યાન ગાંધીનગરમાં યોજવાની જાહેરાત કર્યા પછી ગુજરાતની ભાજપા સરકારને આશા છે કે કેન્દ્ર સરકાર તેની ગુજરાતને ડીફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર આપવાની માંગણી સ્વીકારશે.
યુપી, તમિલનાડુ અને અન્ય રાજયોને ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર કેન્દ્રએ આપ્યા છે. આ પ્રદર્શન પહેલા 10 થી 14 માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં યોજાવાનુ હતુ પણ રશીયા-યુક્રેન અને કોરોના મહામારીના લીધે તે મોકુફ રખાયુ હતું.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને ગુજરાતમાં ડીફેન્સ ઇન્ડસ્ટ્રીજ કોરીડોર અને તેના સંબંધિત અન્ય સુવિધાઓ ફાળવવા વિનંતી કરી હતી. ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં 2020માં ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર મંજૂર કરાયા હતા. વિજય રૂપાણીના કાર્યકાળમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયને લખાયેલ પત્રમાં કહેવાયુ હતુ કે વડાપ્રધાન મોદીની મેઇક ઇન ઇન્ડિયા યોજના હેઠળ ભારત સરકારે દેશમાં ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોરને પ્રોત્સાહન આપી રહી છે. જો કે અવારનવાર વિનંતી કરવા છતા ગુજરાતને ડીઆઇસી અથવા કોઇ જાહેર ક્ષેત્રનું સંરક્ષણ યુનીટ નથી ફાળવવામાં આવ્યું. પત્રમાં વધુમાં કહેવાયુ હતુ કે ગુજરાત એક ઔદ્યોગીક રાજય છે અને ત્યાં સંરક્ષણ ઇન્ડસ્ટ્રીને લાયક વાતાવરણ છે. ગુજરાતમાં કચ્છ, રાજકોટ, અમદાવાદ (સાણંદ), સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ અને અન્ય જગ્યાઓએ એક થી વધુ ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર સ્થંભી શકાય તેમ છે. ગુજરાત સરકાર રાજયમાં સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આતુર છે. જો ભારત સરકાર ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં ડીઆઇસી આપે તો ત્યાં રાજય સરકાર જમીન પણ આપશે.